Site icon Revoi.in

જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે,ભારતને આપી શકે છે મોટી ભેટ

Social Share

દિલ્હી:જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા આજે બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને 14મી ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,તેમની મુલાકાત દરમિયાન પીએમ ફૂમિયો કિશિદા ભારતમાં 42 અબજ ડોલરના રોકાણની યોજનાની પણ જાહેરાત કરી શકે છે. આ જાણકારી જાપાની મીડિયાએ આપી છે.કાર્યભાર સંભાળ્યા બાદ કિશિદા પ્રથમ વખત ભારતની મુલાકાતે છે.

જાપાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે,કિશિદા ભારતની તેમની પ્રથમ રાજદ્વારી મુલાકાત દરમિયાન આગામી પાંચ વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેનના રોકાણની જાહેરાત કરશે.અહેવાલ મુજબ,કિશિદા 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટ દરમિયાન જાહેર-ખાનગી ભંડોળ યોજનાની જાહેરાત પણ કરી શકે છે.કિશિદાનું 5 ટ્રિલિયન યેનનું રોકાણ 3.5 ટ્રિલિયન યેન કરતાં વધુ હશે.જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિંજો આબેએ 2014માં ભારતની મુલાકાત દરમિયાન આ વચન આપ્યું હતું.

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, જાપાનના પીએમ 14મી ભારત-જાપાન સમિટ માટે શનિવારથી બે દિવસની ભારતની મુલાકાતે આવશે.2018માં જાપાનમાં યોજાયેલી છેલ્લી સમિટના સાડા ત્રણ વર્ષ બાદ ભારત અને જાપાનના વડાપ્રધાનો વચ્ચે આ સમિટ યોજાવા જઈ રહી છે.કિશિદાએ ગયા વર્ષે 4 ઓક્ટોબર  ના રોજ જાપાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.કિશિદા આજે બપોરે ભારત પહોંચશે અને 20 માર્ચે એટલે કે આવતીકાલે સવારે વતન પરત ફરશે.