નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં ડાબેરી પક્ષોની ગઠબંધન સરકાર હાલમાં અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’એ ફરી એકવાર ગૃહમાં વિશ્વાસનો મત સાબિત કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ સંસદ સચિવાલયને માહિતી આપી હતી કે તેઓ 20 મેના રોજ પ્રતિનિધિ સભામાં વિશ્વાસ મત સાબિત કરશે
નેપાળની બંધારણીય જોગવાઈઓ અનુસાર, જો સત્તાધારી ગઠબંધનમાં કોઈપણ પક્ષ સરકારમાંથી સમર્થન પાછું ખેંચે છે, તો પ્રધાનમંત્રીએ 30 દિવસની અંદર ફરીથી વિશ્વાસમત લેવો પડે. બે મહિના પહેલા સત્તાધારી પક્ષ જનતા સમાજવાદી પાર્ટીમાં ભાગલા પડ્યા બાદ તેના એક જૂથે સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો હતો. તેથી, પ્રધાનમંત્રી ‘પ્રચંડ’ માટે ફરી એકવાર ગૃહમાં વિશ્વાસનો મત સાબિત કરવો જરૂરી બની ગયો છે.
પ્રધાનમંત્રી ‘પ્રચંડ’ એ સંસદ સચિવાલયને માહિતી આપી હતી કે તેઓ 20 મેના રોજ પ્રતિનિધિ સભામાં વિશ્વાસનો મત સાબિત કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી અને વિરોધ પક્ષો સાથે સતત વાતચીત ચાલી રહી છે. તેમજ વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસના નેતાઓને નિર્ણાયક વાતચીત માટે પણ બોલાવ્યા છે.
દરમિયાન, સહકારી કૌભાંડમાં ફસાયેલા નેપાળના નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી રવિ લામિછાણેના રાજીનામાની માગણી સાથે વિરોધ પક્ષો સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠનોએ સંસદ ભવન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેપાળી કોંગ્રેસ સાથે સંકળાયેલા વિદ્યાર્થી અને યુવા સંગઠનોની આગેવાની હેઠળ સેંકડો કાર્યકરોએ ગૃહમંત્રી રવિ લામિછાને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.