પ્રધાનમંત્રી 21મી જુલાઈએ ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 21મી જુલાઈ 2024ના રોજ સાંજે 7 વાગ્યે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. DG UNESCO, સુશ્રી ઓડ્રે અઝુલે પણ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે.
ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. તે 21થી 31 જુલાઈ, 2024 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. વર્લ્ડ હેરિટેજ કમિટી વર્ષમાં એક વખત મળે છે અને વર્લ્ડ હેરિટેજને લગતી તમામ બાબતોનું સંચાલન કરવા અને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મેળવવા માટેની જગ્યાઓ નક્કી કરવા માટે જવાબદાર છે. આ મીટિંગ દરમિયાન, વર્લ્ડ હેરિટેજ સૂચિમાં નવા સ્થળોને નોમિનેટ કરવા માટેની દરખાસ્તો, હાલની 124 વર્લ્ડ હેરિટેજ પ્રોપર્ટીના સ્ટેટ ઑફ કન્ઝર્વેશન રિપોર્ટ્સ, વર્લ્ડ હેરિટેજ ફંડ્સની આંતરરાષ્ટ્રીય સહાય અને ઉપયોગ વગેરેની ચર્ચા કરવામાં આવશે. મીટિંગમાં 150થી વધુ દેશોના 2000થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે.
વર્લ્ડ હેરિટેજ કમિટીની મીટિંગની સાથે સાથે વર્લ્ડ હેરિટેજ યંગ પ્રોફેશનલ્સ ફોરમ અને વર્લ્ડ હેરિટેજ સાઈટ મેનેજર્સ ફોરમ પણ સાઈડલાઈન્સમાં યોજાઈ રહી છે.
વધુમાં, ભારતની સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે ભારત મંડપમ ખાતે વિવિધ પ્રદર્શનો પણ ગોઠવવામાં આવશે. રીટર્ન ઓફ ટ્રેઝર્સ એક્ઝિબિશન દેશમાં પાછી લાવવામાં આવેલી કેટલીક પુનઃપ્રાપ્ત કલાકૃતિઓનું પ્રદર્શન કરશે. અત્યાર સુધીમાં 350થી વધુ કલાકૃતિઓ પરત લાવવામાં આવી છે. વધુમાં, નવીનતમ AR અને VR તકનીકોનો ઉપયોગ કરીને, ભારતની 3 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ: રાની કી વાવ, પાટણ, ગુજરાત; કૈલાસ મંદિર, ઈલોરા ગુફાઓ, મહારાષ્ટ્ર; અને હોયસલા મંદિર, હલેબીડ, કર્ણાટક માટે એક ઇમર્સિવ અનુભવ ઓફર કરવામાં આવશે. ઉપરાંત, ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, વર્ષો જૂની સંસ્કૃતિ, ભૌગોલિક વિવિધતા, પ્રવાસન સ્થળોની સાથે માહિતી ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં આધુનિક વિકાસને ઉજાગર કરવા માટે ‘અતુલ્ય ભારત’ પ્રદર્શનની સ્થાપના કરવામાં આવશે.