- 32 બાળકોને મળશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરુસ્કાર
- પીએમ વિજેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે
- વિભિન્ન ક્ષેત્રોમાં પ્રદર્શન અને સિદ્ધિઓ માટે અપાઈ છે પુરુસ્કાર
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરુસ્કાર માટે આ વર્ષે 32 બાળકોની પસંદગી કરવામાં આવી છે. બાળકો માટે આ પુરુસ્કાર નવીનતા, રમતગમત, કળા, સંસ્કૃતિ, બહાદુરી અને સમાજ સેવા જેવા વિભિન્ન ક્ષેત્રોમાં તેમના અસાધારણ પ્રદર્શન અને સિદ્ધિઓ માટે આપવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું છે કે, 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 32 જિલ્લાઓમાંથી આ વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આ બાળકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરશે.
પુરસ્કારોની સૂચિમાં કોરોના કાળમાં પોતાના બીમાર પિતાને સાયકલથી 1200 કિલોમીટર બિહાર લઈ જનારી જ્યોતિ કુમારી અને જીવના જોખમે પોતાની બહેનને બળદથી બચાવનાર ઉત્તરપ્રદેશના કુંવર દિવ્યાંશસિંહ સહીત 30 બાળકોના નામ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, કળા અને સંસ્કૃતિ માટે સાત, નવીનતા માટે નવ, શિક્ષણ ક્ષેત્રે પાંચ,રમતગમત માટે સાત બાળકો,ત્રણ બહાદુરી માટે અને એક બાળકને સમાજસેવામાં તેમના પ્રયત્નો બદલ સન્માનિત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિજેતાઓની પ્રશંસા કરતા કહ્યું કે, “હું આશા રાખું છું કે, વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરુસ્કાર -2021 માત્ર વિજેતાઓને પ્રોત્સાહિત કરશે જ નહીં, પણ લાખો યુવાનોને સ્વપ્ન, મહત્વાકાંક્ષા અને તેમની સીમાઓ વિસ્તૃત કરવામાં મદદ કરશે.” તેમણે કહ્યું કે ‘આપણા દેશને સફળતા અને સમૃધ્ધિની નવી ઉંચાઈએ પહોંચાડવા આપણે બધાએ મહત્તમ પ્રયાસ કરવો જોઇએ.
-દેવાંશી