Site icon Revoi.in

વડાપ્રધાન 5 નવેમ્બરે કેદારનાથ જશે અને આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન કરશે

Social Share

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 નવેમ્બરે ઉત્તરાખંડના કેદારનાથ જશે.જ્યાં તેઓ કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને ત્યારબાદ તેઓ આદિ શંકરાચાર્ય સમાધિનું ઉદ્ઘાટન કરશે તેમજ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. 2013ના પૂરમાં વિનાશ પછી સમાધિનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પુનર્નિર્માણ કાર્ય વડાપ્રધાનના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે, જેમણે પરિયોજનાની પ્રગતિની સતત સમીક્ષા અને દેખરેખ કરી છે.

વડાપ્રધાન સરસ્વતી આસ્થાપથ પર ચાલી રહેલા અને પૂર્ણ થયેલા કાર્યોની સમીક્ષા અને નિરીક્ષણ કરશે.આ ઉપરાંત પીએમ મોદી  એક જનસભા પણ સંબોધિત કરશે. તેઓ મુખ્ય બુનિયાદી માળખાકીય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે, જેમાં સરસ્વતી રિટેનિંગ વૉલ આસ્થાપથ અને ઘાટ, મંદિકિની રિટેનિંગ વૉલ આસ્થાપથ, તીર્થ પુરોહિત હાઉસ અને મંદાકિની નદી પર ગરૂડ ચટ્ટી પુલ સામેલ છે.

પરિયોજનાઓને 130 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પૂરી કરવામાં આવી છે. તે સંગમ ઘાટના પુર્નવિકાસ, પ્રાથમિક ચિકિત્સા અને પ્રવાસન સુવિધા કેન્દ્ર, વહીવટી કાર્યાલય અને હોસ્પિટલ, બે ગેસ્ટહાઉસ, પોલીસ સ્ટેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, મંદાકિની આસ્થાપથ ક્યૂ મેનેજમેન્ટ, રેઈન શેલ્ટર તથા સરસ્વતી નાગરિક સુવિધા ભવન સહિત 180 કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાઓની આધારશિલા પણ રાખશે.