Site icon Revoi.in

પડધરીમાં સરકારી કોલેજના આચાર્ય, અધ્યાપકો સહિતનો સ્ટાફ રજા જાહેર કરી પિકનીકમાં ઉપડી ગયો

Social Share

રાજકોટઃ જિલ્લાના પડધરીમાં આવેલી સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય, અધ્યાપકો અને સ્ટાફ ચિંતન શિબિરના બહાને ચાલુ દિવસે કોલેજમાં રજા જાહેર કરીને પિકનિકમાં ઉપડી ગયા હતા. હાલ પરીક્ષા નજીકમાં હોવાથી વિદ્યાર્થીઓ વિરોધ કરતા અને આ મામલો ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગમાં પહોંચતા હવે જવાબદારો સામે પગલાં લેવાશે કેમ તે અંગે ચર્ચા જાગી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ જિલ્લાના પડધરી શહેરમાં સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આવેલી છે. પડધરી શહેર ઉપરાંત તાલુકાના વિદ્યાર્થીઓ આ કોલેજમાં શિક્ષણ લઈ રહ્યા છે. આ સરકારી કોલેજ દ્વારા નિયમોનો ઉલાળીયો કરી આચાર્ય-અધ્યાપકો અને સ્ટાફ  ચિંતન શિબિરના નામે પીકનીક કરવા ઉપડી ગયાની ફરીયાદો ઊઠી છે. ચાલુ દિવસે  કોલેજના વિદ્યાર્થીઓને રજા આપી આચાર્ય અને શિક્ષકો પીકનીકમાં ઉપડી જતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. આ અંગે ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ફરીયાદ થતા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોલેજોની વાર્ષિક પરીક્ષાઓ આગામી માર્ચ-એપ્રિલથી શરૂ થનાર હોય વિદ્યાર્થીઓને ચાલુ ફેબ્રુઆરી માસમાં અભ્યાસક્રમ પુરો કરાવી દેવો જરૂરી છે. પરંતુ પડધરીની આ સરકારી કોલેજના પ્રિન્સીપાલ અને અધ્યાપકો ચિંતન શિબિરના નામે ધ્રોલ-જોડીયાના પાદરા ખાતે પીકનીકમાં ઉપડી ગયા હતા. આ બાબતે પડધરીની આ કોલેજના આચાર્ય  દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ જાણ કરવામાં આવી નથી. આ મામલે સૌરાષ્ટ્ર યુનિ.ના રજીસ્ટ્રારના કહેવા મુજબ પડધરી કોલેજ દ્વારા આ અંગે જાણ કરવામાં આવી નથી. આ કોલેજ સરકારી કોલેજ હોય ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીના તાબા હેઠળ છે દરમિયાન આ કોલેજના વિદ્યાર્થીઓને આચર્યએ પોતાની મરજી મુજબ નિયમોનો ભંગ કરી રજા આપી પીકનીક ઉપર ઉપડી જતા ઉચ્ચ શિક્ષણ જગતમાં આ વિષય ભારે ચર્ચાનો વિષય બની જવા પામેલ છે.