નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આયોજિત ICCની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન ICCએ મોટો નિર્ણય લીધો છે. વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં પુરુષો અને મહિલા ખેલાડીઓને અપાતી ઈનામી રકમ એક સરખી રહેશે. વર્લ્ડકપ 2023 પહેલા ICCએ આ મોટો નિર્ણય લીધો છે. આગામી ICC ટૂર્નામેન્ટમાં પુરૂષોને જેટલી રકમ અપાય છે, એટલી જ રકમ મહિલાઓને પણ તેમની ટૂર્નામેન્ટમાં અપાશે.
પુરૂષોના વિશ્વકપમાં જે રકમ ટુર્નામેન્ટ જીતવા અથવા સેમીફાઈનલમાં પહોંચવા અથવા મેચ જીતવા માટે ટીમોને અપાય છે એટલી જ રકમ મહિલાઓને ફાઈનલ જીતવા, સેમીફાઈનલમાં પહોંચવા અને મેચ જીતવામાં અપાશે. આ ઈનામી રકમ દરેક ટુર્નામેન્ટમાં એકસરખી હશે. આ નિર્ણય 2030 સુધીમાં ‘ઈનામી રકમમાં સમાનતા’ના લક્ષ્યને હાંસલ કરવાના ICCના પ્રયાસનો મહત્વપૂર્ણ ભાગ છે.
ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ જણાવ્યું કે, આ અમારી રમતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને મને આનંદ છે કે, ICCના વૈશ્વિક આયોજનોમાં ભાગ લેનારા પુરૂષ અને મહિલા ક્રિકેટરોને હવે સમાન રીતે પુરસ્કૃત કરવામાં આવશે. 2017 બાદ અમે એક સમાન પુરસ્કાર રકમ સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ઉપરાંત દર વર્ષે મહિલાઓની સ્પર્ધાઓમાં ઈનામની રકમ વધારી છે અને હવેથી ICC મહિલા ટીમને ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા પર ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા જેટલી જ ઈનામની રકમ મળશે. T20 વર્લ્ડકપ અને અંડર-19 ટીમ માટે પણ આ નિર્ણય અમલી બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ભારતમાં આઈસીસીની એક દિવસીય વર્લ્ડકપ રમાશે. જેના આયોજનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.