ઓનલાઈન ગેમિંગની જાહેરાત કરનાર આમિર ખાન તથા અન્ય ક્રિકેટરોની મુશ્કેલી વધી, બિહારની કોર્ટમાં અરજી
પટણાઃ બિહારના મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં આઈપીએલના નામે ઓનલાઈન ગેમિંગ ડ્રીમ 11, એમપીએલ અને અનેક ગેમિંગ એપ્સનો પ્રચાર કરવા અને ટીમો બનાવીને દેશના યુવાનો અને બાળકોને જુગારની લત તરફ ધકેલવાનો આરોપ લગાવવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ફિલ્મ અભિનેતા આમિર ખાન, ક્રિકેટર રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરભ ગાંગુલી વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મીએ ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં કોર્ટે સુનાવણીની તારીખ 22 એપ્રિલ નક્કી કરી છે.
કોર્ટમાં અરજી કરનારા ફરિયાદી તમન્ના હાશ્મીએ જણાવ્યું કે, હાલના દિવસોમાં દેશના યુવાનોને આઈપીએલના નામે MPL, ડ્રીમ 11 અને અન્ય ઓનલાઈન ગેમિંગના નામે જુગાર તરફ ધકેલવામાં આવી રહ્યા છે, જેના માટે મુઝફ્ફરપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરભ ગાંગુલી, ક્રિકેટર હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને ફિલ્મ અભિનેતા આમિર ખાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ તમામ પર યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમના ભવિષ્ય સાથે રમત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસ મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં નોંધવામાં આવ્યો છે. કોર્ટ આ મામલે 22 એપ્રિલ 2023ના રોજ સુનાવણી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં આઈપીએચ ચાલી રહી છે, બીજી તરફ મનોરંજનના નામે કેટલીક ગેમિંગ એપ્સ યુવાનોને લાખોને પોતાની ટીમ બનાવીને લાખોના ઈનામ જીતવાની લોભામણી લાલચ આપે છે. આવી એપ્સ મનોરંજનના નામે યુવાધનને જુગારના રવાડે ચડાવી રહ્યાંના અગાઉ આક્ષેપ થઈ રહ્યાં છે, બીજી તરફ અઢળક સંપતિ ધરાવતા કલાકારો અને ખેલાડીઓ પણ થોડા પૈસાની લાલચમાં આવી એપ્સનો પ્રચાર કરતા હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં પણ રોષ ફેલાયો છે.