પટણાઃ બિહારના મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં આઈપીએલના નામે ઓનલાઈન ગેમિંગ ડ્રીમ 11, એમપીએલ અને અનેક ગેમિંગ એપ્સનો પ્રચાર કરવા અને ટીમો બનાવીને દેશના યુવાનો અને બાળકોને જુગારની લત તરફ ધકેલવાનો આરોપ લગાવવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ફિલ્મ અભિનેતા આમિર ખાન, ક્રિકેટર રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરભ ગાંગુલી વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મીએ ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં કોર્ટે સુનાવણીની તારીખ 22 એપ્રિલ નક્કી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ દેશમાં આઈપીએચ ચાલી રહી છે, બીજી તરફ મનોરંજનના નામે કેટલીક ગેમિંગ એપ્સ યુવાનોને લાખોને પોતાની ટીમ બનાવીને લાખોના ઈનામ જીતવાની લોભામણી લાલચ આપે છે. આવી એપ્સ મનોરંજનના નામે યુવાધનને જુગારના રવાડે ચડાવી રહ્યાંના અગાઉ આક્ષેપ થઈ રહ્યાં છે, બીજી તરફ અઢળક સંપતિ ધરાવતા કલાકારો અને ખેલાડીઓ પણ થોડા પૈસાની લાલચમાં આવી એપ્સનો પ્રચાર કરતા હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં પણ રોષ ફેલાયો છે.