Site icon Revoi.in

ધો.10ની માર્કશિટના ઠેકાણા નથી ત્યાં 17 જૂનથી ડિપ્લોમામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા હવે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે.ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી નથી. છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા એડમિશન કમિટી દ્વારા 17મી નક્કી કરવામાં આવી છે. તેથી લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ અને કોલેજ સંચાલકો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેની જાહેરાત સરકારે કરી હતી. જેમાં આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ અપાયો છે. જો કે આ વિદ્યાર્થીઓના પરિણામ પછી પ્રવેશના નિયમોની જાહેરાત બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી જ નથી. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે એસીપીડીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ) તરફથી ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહીનો 17 જૂનથી પ્રારંભ કરવામાં આવશે.

રજિસ્ટ્રેશન પ્રક્રિયા વેબસાઇટ પર મુકવામાં આવશે. એસીપીડીસીના મેમ્બર સેક્રેટરીએ ડિપ્લોમા ઈજનેરી કોલેજોના આચાર્યોને પત્ર લખીને જાણ કરશે. ધોરણ 10 પછીના ડિપ્લોમા ઈજનેરીના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2021 અન્વયે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ડિપ્લોમા ઈજનેરીની વેબસાઈટમાં મૂકવામાં આવશે.

દરેક સંસ્થાએ પ્રવેશ ઈચ્છુક ઉમેદવાર, વાલીઓને યોગ્ય માહિતી મળી રહે તે હેતુસર સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક કવર સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે. પરંતુ વાલીઓની મુંઝવણ એ છે કે, વિદ્યાર્થીઓને હજુ માર્કશિટ આપવામાં આવી નથી તો પ્રવેશ ક્યા આધારે મેળવવો. ધોરણ 9 પરીક્ષા અને 10ની પ્રિલિમ પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓની માર્કશિટ તૈયાર કરવામાં આવી રહી છે. પણ વિદ્યાર્થીઓને ક્યો ગ્રેડ મળ્યો તે માર્કશિટ હાથમાં આવ્યા બાદ જ ખબર પડશે.