- ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયાને મળી શકે છે વેગ
- નિયમિત રીતે મોટા પ્રમાણામં મળી શકે છે વેક્સિન
- જૂન – જૂલાઈમાં શરૂ થવાની સંભાવના
અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસ બચવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પર સંપૂર્ણપણે ભાર મુકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે કે ગુજરાત સરકારે મગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પહેલા પખવાડિયા બાદ નિયમિત રીતે મોટા પ્રમાણમાં મળવાની શરુઆત થઇ શકે છે, આથી રાજ્યમાં 18થી 45 વર્ષના વયજૂથના લોકોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ કે જુલાઇના પ્રથમ સપ્તાહથી શરુ થઇ શકે છે.
મળતી માહિતી અનુસાર જૂનના બીજા સપ્તાહ બાદ ગુજરાતને નિયમિત રીતે રસીનો જથ્થો વધુ પ્રમાણમાં મળતો થઈ શકે છે, પછી રસીની ખેંચ ઘણી ઓછી થશે. હાલ 18થી 45 વર્ષની ઉંમરના લોકો માટે એક સપ્તાહમાં સાતથી દસ લાખ જેટલા ડોઝની સરેરાશથી જથ્થો પ્રાપ્ત થઇ રહ્યો છે, જે આવનારા સમયમાં બમણાથી વધુ થઈ શકે છે. તેથી રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં કે જુલાઇના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે.
સરકાર દ્વારા કોરોનાની વેક્સિનેશન પ્રક્રિયાને વેગ આપવા માટે અન્ય કંપનીની વેક્સિનને પણ મંજૂરી આપવામાં આવી શકે તેમ છે અને આગામી સમયમાં સરકારનો જે દૈનિક વેક્સિનેશનનો ટાર્ગેટ છે તે બમણો થઈ શકે તેમ છે.
હાલના તબક્કે ગુજરાત સરકારે ચાર ખાનગી હોસ્પિટલો દ્વારા પેઇડ રસીકરણની મંજૂરી આપી છે. હજુ સરકાર આ માટે વધુ હોસ્પિટલોને નિયુક્ત કરવા વિચારી રહી છે, જેથી કરીને સરકારી રસીકરણ પરનું ભારણ ઓછું થશે અને વધુ ઝડપથી વધુ લોકો રસી લઇ શકશે. ગ્રામીણ વિસ્તારોમાં પેઇડ રસીકરણ કરવું મુશ્કેલ હોવાથી ત્યાં સરકારી ધોરણે વિનામૂલ્યે રસીકરણ જ થશે, જ્યારે શહેરોમાં પણ નિઃશુલ્ક રસીકરણ યથાવત્ જ રહેશે.