- અફ્ઘાનિસ્તાનમાંથી અમેરિકાનું સૈન્ય પરત જશે
- 44 ટકા સુધી પ્રક્રિયા પૂર્ણ
- સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર થઈ જાણકારી
દિલ્લી: અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે અમેરિકા જે રીતે અફ્ઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પરત બોલાવી રહ્યું છે તે કામ 44 ટકા સુધી પૂર્ણ થઈ ગયુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે 11 સપ્ટેમ્બર સુધી અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકોને પરત બોલાવી લેવામાં આવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના શાસનમાં અફઘાનિસ્તાનમાં છેલ્લા 20 વર્ષથી ચાલતી લડાઇનો અંત લાવવાની જાહેરાત કરી હતી. હવે અમેરિકા પોતાના સૈનિકોને પરત બોલાવી રહ્યું છે.
અમેરિકા દ્વારા અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી ત્રણસો સી-17 માલવાહક જેટલી સામગ્રી અને 13 હજાર સૈન્ય ઉપકરણ ડિફેન્સ લોજિસ્ટિક એજન્સીને સોંપી દેવામાં આવ્યા છે. આ જાણકારીને અમેરિકાના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
જો વાત કરવામાં આવે ઈતિહાસની તો 11 સપ્ટેમ્બર, 2001માં અમેરિકામાં હુમલા પછી અફઘાનિસ્તાનમાંથી આતંકીઓનો સફાયો કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાની સાથે નાટો દેશોની સેનાઓએ પણ ભાગ લીધો હતો. અત્યાર સુધી આ અભિયાનમાં 2400 અમેરિકન સૈનિકોના મોત થયા છે. એક વર્ષ અગાઉ અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજૂતી મુજબ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પરત લેશે.
આંતરરાષ્ટ્રીય રાજકારણ અને રાજનીતિના જાણકારો અનુસાર તે પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે અમેરિકાનું સૈન્ય અફ્ઘાનિસ્તાનમાંથી પરત ફરશે, તે બાદ અન્ય દેશોનો પણ અફઘાનિસ્તાન પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ થઈ શકે તેમ છે. આ દેશોમાં રશિયા અને ચીન હોઈ શકે છે જે અફઘાનિસ્તાનમાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી શકે તેમ છે.