ગાંધીનગરઃ રાજ્યમાં મહેસુલની આવક વધારવા માટે કેટલાક અધિકારીઓએ સરકાર સમક્ષ જંત્રીના દર વધારવાની દરખાસ્ત સરકાર સમક્ષ કરી હતી પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકાર હાલ કોઈ જોખમ લેવા માગતી નથી. ચૂંટણી બાદ જંત્રીના દરમાં વધારો કરાશે એ નક્કી છે. અને નવી સરકારમાં જંત્રીના દરોમાં બેફામ વધારો થવાની દહેશત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી ગુજરાત સરકાર જંત્રીના દરોમાં ધરખમ વધારો કરી રહી છે, કારણ કે જો અત્યારે જંત્રીના દર વધારે તો ભાજપ માટે નેગેટીવ સ્થિતિ ઉત્પન્ન થાય તેમ છે. રાજ્યના મુખ્યમંત્રીએ જંત્રીના દર રિવાઇઝ કરવાની સૂચના આપી હતી પરંતુ ચૂંટણી આવતી હોવાથી હાલ પુરતો ભાવવધારો મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સરકારી જમીનના મૂલ્યાંકન માટે મે 2018માં એક પોલિસી બનાવી હતી અને તેનો અમલ શરૂ કર્યેા ત્યારે સરકારને ધ્યાનમાં આવ્યું કે સરકારી જમીનના દરો ખૂબ ઓછા થયા છે તેથી તે પોલિસીને રદ કરી નવી પોલિસી બનાવી છે. આ પોલિસીમાં જંત્રીના દરો નહીં પણ બજારભાવ ધ્યાને લેવામાં આવ્યા છે તેથી નવી પોલિસીમાં મૂલ્યાંકનના દરોમાં ધરખમ વધારો થવાની દહેશત છે.
મહેસૂલ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બનાવેલી જંત્રીના દર અને બજાર કિંમત વચ્ચે જમીન આસમાનનું અંતર છે તેથી જંત્રીના વર્તમાન દરો રિવાઇઝ કરવાની આવશ્યકતા છે. જો સરકાર જંત્રીના દરો વધારશે તો જમીનો અને મિલકતોના ભાવ આસમાને જઇ શકે છે. હાલ તો દર વધારવાની દરખાસ્ત મુલતવી રાખવામાં આવી છે પરંતુ તે ચૂંટણી પછી અમલી બનશે. સરકાર જમીન મૂલ્યાંકનમાં નવી નીતિ અમલ કરવા જઇ રહી છે, જેમાં જંત્રીના દરો લગભગ બજાર કિંમતની આસપાસના રહેશે. સૂત્રોએ કહ્યું કે જે વિસ્તારમાં બજાર ભાવ 50 હજાર હશે ત્યાં જંત્રીના દર 35000 થી 45000 રાખવાનું વિચારવામાં આવ્યું છે. જો કે મહેસૂલ વિભાગની દરખાસ્ત વિધાનસભાની ચૂંટણી પછી લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે. રિયલ એસ્ટેટના સૂત્રો કહે છે કે જો સરકારે જંત્રીના દરો દરખાસ્ત પ્રમાણે વધાર્યા તો જમીન અને મિલકતની કિંમતમાં 15થી 25 ટકાનો વધારો થવા સંભવ છે, ત્યારે બજાર ભાવનું માર્કેડ ભડકે બળશે.