મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો ઉપર મતગણતરી ચાલી રહી છે અને હાલ ભાજપાની આગેવાની હેઠળ મહાયુતિ જીતી રહી છે. જેના પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી (અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ મહા વિકાસ અઘાડી દ્વારા મતગણતરીને લઈને સવાલો ઉભા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભાજપાના સિનિયર નેતા કિરીટ સોમૈયાએ મહાવિકાસ અઘાડી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં ઉદ્ધવ ઠાકરેએ ભાજપા સાથે કરેલા વિશ્વાસઘાતનો જનતાએ જવાબ આપ્યો છે.
ભાજપાના નેતા કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે, લોકોએ વિકાસ અને વિશ્વાસ સાથે ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિને સમર્થન આપ્યું છે. જ્યારે લવ જેહાદ, વોટ જેહાદ, લેન્ડ જેહાદને સમર્થન કરનાર કોંગ્રેસને જાકારો આપ્યો છે. સંજ્ય રાઉતએ પરિણામો સામે ઉભા કરેલા સવાલ મામલે ભાજપાના નેતા કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019માં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ભાજપા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેનો મહારાષ્ટ્રની જનતાએ તેમને જવાબ આપ્યો છે. ભાજપાના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાએ આજે શિવસેના (ઠાકરે)ને વિસર્જિત કરી દીધી છે જેથી સંજ્ય રાઉત દુખી થયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં હાલ ભાજપા 127 બેઠકો ઉપર આગળ છે. જ્યારે શિવસેના (શિંદે) 55, એનસીપી (અજીત પવાર) 35 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસ 20, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) 16, એનસીપી (શરદ પવાર) 13 બેઠકો ઉપર આગળ છે. ભાજપાનો સ્ટ્રાઈક રેટ 84 ટકા, એનસીપી (અજીત પવાર) 62 ટકા, શિવસેના (શિંદે) 71 ટકા, કોંગ્રેસનો 19 ટકા, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) 21 ટકા અને એનસીપી (શરદ પવાર)નો 12 ટકા જેટલો હોવાનું જાણવા મળે છે.