- E- ગ્રામ કેન્દ્રો ખાતે તા. 10મી નવેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે,
- 11મી નવેમ્બરથી 8મી ફેબ્રુઆરી 2025 સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે,
- સરકાર દ્વારા કરાયું આગોતરૂ આયોજન
સુરેન્દ્રનગરઃ ગુજરાતના ખેડૂતોને પોતાની પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. વર્ષ 2024-25માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. દરમિયાન ખેડુતોની માગણી બાદ ટેકાના ભાવે વેચાણ અંગેની નોઁધણીની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદામાં વધારો કરવાનો સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવાયો છે. જે અન્વયે ખેડૂતો હવે ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે તા. 10/11/2024 સુધી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત કરાવી શકશે. વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ બાદથી તા. 11/11/2024થી તા. 8/2/2025 સુધી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગર દ્વારા જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકારે વર્ષ 2024-25 મગફળી માટે રૂ. 6783 (રૂ.1356.60 પ્રતિ મણ), મગ માટે રૂ.8682 (રૂ.1736.40 પ્રતિ મણ), અડદ માટે રૂ.7400 (રૂ.1480 પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ. 4892 (રૂ.978.40 પ્રતિ મણ) પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરેલ છે. ભારત સરકારની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ. હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.