પોલીસ કર્મીઓનો ગ્રેડ-પેનો પ્રશ્ન ઉકેલાયો નથી, ત્યાં આરોગ્ય અને વન વિભાગના કર્મચારીઓએ માગ કરી
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તના સૂત્રો સંભાળતા જ આંદોલનના રણશીંગા ફુંકાઈ રહ્યા છે. ગાંધીનગરમાં ગ્રેડ પે ના મામલે પોલીસ કર્મચારીના પરિવારજનો ગાધીનગરની સત્યાગ્રહ છાવણી પર કબજો કરી બેઠા છે તેના સમર્થનમાં કોંગ્રેસ આપ અને કરણી સેના મેદાનમાં આવી છે. પોલીસ કર્મચારીઓને મળી રહેલા રાજકીય પીઠબળ જોઈને અન્ય કર્મચારીઓની ડાઢ ડળકી છે. વન રક્ષકો, આરોગ્ય કર્મીઓની ગ્રેડ પે સુધારણા અને લઈને સરકારને આવેદન આપી દીધા છે. રાજ્ય સરકાર દ્વારા સરકાર વિરોધી આંદોલન ડામવા ઉચ્ચ અધિકારીઓ અને સેક્રેટરીને સુચના આપવામાં આવી છે. આ મામલે રાજ્ય સરકાર દ્વારા મેરેથોન બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ ગૃહવિભાગનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યા નવા પ્રશ્નો ઉપસ્થિત થવા લાગ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ તંત્રમાં વર્ગ–3ના કર્મચારીઓએ ગ્રેડ પેની માગણી કર્યા બાદ વનરક્ષકોએ રૂપિયા 1800 અને આરોગ્ય કર્મચારીઓએ રૂ પિયા 1900 ગ્રેડ પે વધારીને રૂ પિયા 2800 કરવાની માગણી કરી છે. રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના હોદ્દેદારોએ મંગળવારે વનમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં વનરક્ષકોને કેડરને સ્ટેટ કેડરનો દરો આપવામા આવે તેમજ જાહેર રજાના દિવસે ફરજ પર નો પગાર આપવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત સમયસર સિનિયોરીટી ગ્રેડેશન લીસ્ટ તૈયાર કરવામાં આવે તેવો આગ્રહ પણ કરવામાં આવ્યો છે. આ તમામ કર્મચારીઓએ ફિકસ પગાર પ્રથા બંધ કરવાની માગણી કરી છે. લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ચાલતા ગ્રેડ પે સુધારણા આંદોલન ને જમીની હકીકત મળતા સરકારના પગ નીચે રેલો આવ્યો છે આ આંદોલનને ડામવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તમામ આંદોલનકારીઓ સામે પગલા લેવાય પરંતુ તેની સામે પોલીસ પરિવારો નવી રણનીતિ અપનાવી છે અને પરિવારજનો જ આંદોલન કરવા મેદાને પડતા સરકારની મૂંઝવણમાં વધારો થયો છે.