પાલનપુરઃ જિલ્લાના દિયોદર-ભાભર હાઇવે પર ગુજરાત સરકાર દ્વારા 36 કરોડના ખર્ચે 993 મીટર લાંબો અને 11 મીટર પહોળો 26 કોલમ સ્પાન ધરાવતો રેલવે ઓવરબ્રિજ તૈયાર થતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખૂલ્લો મુકાતા વાહનચાલકોને ભારે રાહત થઈ છે.
દિયોદરની પ્રજાને રેલવે ફાટકથી ભારે હાલાકી ભોગવવી પડતી હતી અને ઓવરબ્રિજની માંગ કરી રહી હતી. જેને લઇ ગુજરાત સરકાર દ્વારા 36 કરોડના ખર્ચે પુલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. જે કામગીરી 18 માસમાં પૂર્ણ કરવાની હતી પણ બ્રિજનું કામ 45 મહિને પૂર્ણ થયું હતુ. નવ નિર્મિત રેલવે ઓવરબ્રિજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું કે, ડબલ એન્જીન સરકાર હોય ત્યાં ફાયદો જ ફાયદો હોય. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વગુરુ અને મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. વર્ષ 2047 માં ભારત દુનિયાની ત્રીજી મજબૂત અર્થતંત્ર વ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો હશે. ત્યારે આપણે પણ એમાં સાથ સહકાર આપી પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આગળ આવવું જોઈએ.
આ પ્રસંગે સાંસદ પરબત પટેલે પહેલાંના સમયમાં શુ હતું અને આજે શુ છે. કેવા કામો થયા છે એ બાબતનો વિચાર કરતાં ખુશી થાય છે એમ જણાવી જિલ્લામાં છેવાડાના અને અંતરિયાળ વિસ્તારો સુધી સારા રસ્તાઓ, વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ સહીત તમામ સુવિધાઓ વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ બની છે જેના પરિણામે જિલ્લાની વિકાસકૂચને ઝડપી વેગ મળ્યો છે. આ પુલના નિર્માણથી લોકોની સુખાકારીમાં વધારો થયો છે એમ જણાવી સૌને શુભકામનાઓ પાઠવી હતી.