અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થઈ રહી છે. હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા રેલવે દ્વારા ગત વર્ષે કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે ખાસ સુવિધા ધરાવતાં 70થી વધુ આઈસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા હતા. આજ સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માગ જ ન કરવામાં આવી હોવાથી જુદા-જુદા સ્ટેશનો પર આ સ્પેશિયલ કોચ ધૂળ ખાઈ રહ્યા છે.
પશ્વિમ રેલવે પાસે આ કોચ ક્યાં મૂકી રાખવા તેની મુશ્કેલી હોવાથી હાલ જુદા-જુદા સ્ટેશનો પર રાખવામાં આવ્યા છે. એક તરફ કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને રાખવાની જગ્યા નથી તો બીજી બાજુ 70 આઈસોલેશન કોચ છેલ્લા એક વર્ષથી અમદાવાદ સહિત જુદા-જુદા સ્ટેશન પર ધૂળ ખાઈ રહ્યા છે. શહેરમાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ થતાં હાલત કફોડી થઈ રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓથી ઊભરાઈ રહી છે. સરકારે આગામી દિવસોમાં દર્દીઓને રાખવા માટે સમરસ હોસ્ટેલ, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડી વગેરે જગ્યાઓ લેવાનું શરૂ કર્યું છે.
મહત્વની વાત એ છે કે, ગત વર્ષે કોરોનાને લીધે સ્થિતિ ગંભીર થઈ ત્યારે રેલવેએ દર્દીઓની સારવાર માટે ખાસ પ્રકારના આઈસોલેશન વોર્ડ તૈયાર કર્યા હતા. કોરોનાના ગંભીર લક્ષણો ના હોય તેવા દર્દીઓને આઈસોલેશનમાં રાખવા આ કોચ તૈયાર કરાયા હતા. રેલવે કોચમાં હોસ્પિટલમાં હોય તેવી તમામ પ્રકારની સગવડ ઊભી કરવામાં આવી હતી. ખાસ પ્રકારના પાણીના નળ, ટોઈલેટ-બાથરૂમ ઉપરાંત મચ્છરથી બચવા માટે મચ્છર જાળીની નેટ પણ નંખાવામાં આવી હતી. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની અછત ઊભી થાય ત્યારે રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા આઈસોલેશન કોચમાં દર્દીઓને રાખી શકાય તેવી તમામ વ્યવસ્થા હોવા છતાં છેલ્લા એક વર્ષથી કોચ ધૂળ ખાઈ રહ્યા છે.