રાજકોટઃ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં સોમવારે 22 ઇંચ સુધીનો વરસાદ પડી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જામનગરના કાલાવડ તાલુકામાં 22 ઇંચ વરસાદ ખાબકયો હતો. 12 કલાકમાં જ પડેલા ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. રાજકોટમાં રવિવાર મોડી રાતથી સોમવારે રાત્રે 11.00 સુધીમાં એટલે કે 24 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં 17 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જામનગર અને રાજકોટ જાણે પૂરના પાણીમાં ડૂબી ગયાં હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
સૌરાષ્ટ્રમાં વરસાદી ખેંચથી મોટાભાગના જળાશયો તળિયાઝાટક થવાની અણી પર હતા ત્યારે ભાદરવામાં ભરપૂર મેઘથી તમામ જળાશયો છલકાયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટ માટે જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થવામાં 5 ફૂટ જ બાકી છે. જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
રાજકોટ જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો થયા છે. ભાદર-2, ન્યારી-1, ન્યારી-2, આજી-2, આજી-3, છાપરવાડી-1, છાપરવાડી-2, વેરી, ફોફળ મોતીસર, ડોંડી, ઈશ્વરિયા, ખોડાપીપર, લાલપરી, મોજ, વેણુ-2 તેમજ સોડવદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર ડેમમાં 5 ફૂટની આવક થતાં હાલ સપાટી 28 ફૂટને પાર થઈ છે. જેથી ડેમ છલકાવામાં માત્ર 5 ફૂટ જેટલો જ બાકી છે. આજી ડેમ પણ 90 ટકાથી વધુ ભરાયો છે, જેથી ગમે ત્યારે છલકાય તેમ હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. જામનગરના ધૂડશિયા, કુન્નડ અને બાંગા ગામમાંથી 16 લોકોને એરલિફ્ટ કરી બચાવી લેવાયા હતા. એનડીઆરએફ અને ફાયરની ટીમે સાથે મળીને લગભગ 340થી વધારે લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.