વડોદરાના કરજણ પાસે રેલવે ટ્રેક પર આઠ ફુટ લાંબો મગર આવી જતાં રાજઘાની એક્સપ્રેસ ટ્રેન રોકવી પડી
વડોદરાઃ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મગરોની સારીએવી વસતી છે. દરમિયાન વડોદરાથી મુંબઈ તરફ જતાં રેલવેના ટ્રેક પર એક મોટો મગરમચ્છ આવી ગયો હતો. આઠ ફુટ લાંબો મગર ઈજાગ્રસ્ત હાલતમાં હતો. તેના લીધે વડોદરાથી મુંબઈ જઈ રહેલી સુપરફાસ્ટ રાજધાની એક્સપ્રેસને 25 મિનિટ સુધી રોકાવુ પડ્યું હતું. મગરને કારણે માત્ર રાજધાની એક્સપ્રેસ જ નહીં, વડોદરા-મુંબઈ લાઈન પર ચાલતી અન્ય ટ્રેનો પણ 45 મિનિટ મોડી પડી હતી. રેલવે અધિકારીઓ અને પ્રાણી સુરક્ષા ક્ષેત્રે કામ કરતા કાર્યકર્તાઓના અનેક પ્રયાસો પછી પણ મગરને બચાવી નહોતો શકાયો.
વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટ હેમંત વાધવાને જણાવ્યું હતું કે,મને રાત્રે લગભગ સવા ત્રણ વાગ્યે કરજણ રેલવે સ્ટેશનના સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટનો ફોન આવ્યો હતો.અને તેમણે રેલવે ટ્રેક પર મગર પડ્યો હોવાની વાત જણાવી હતી. કરજણ મિયાગામ રેલવે સ્ટેશનથી લગભગ પાંચ કિલોમીટર દૂર રેલવે પેટ્રોલમેનને આ મગર દેખાયો હતો. વાઈલ્ડલાઈફ સંસ્થાના કાર્યકર્તાઓ તાત્કાલિક ત્યાં જવા માટે નીકળી ગયા હતા. મગર જ્યાં ઈજાગ્રસ્ત થયો હતો તે સ્થળ પર ઝડપથી પહોંચવુ શક્ય નહોતું. કાર્યકર્તાઓ પણ વાહનમાં કરજણ રેલવે સ્ટેશન સુધી પહોંચી શક્યા હતા.. કરજણ સ્ટેશનેથી જાણવા મળ્યું હતું કે, રેલવે અધિકારીઓએ ટ્રેક પર પડેલા મગરને કારણે 20 મિનિટથી રાજધાની એક્સપ્રેસ રોકીને રાખી હતી. કુલ 25 મિનિટ સુધી આ ટ્રેન રોકીને રાખવામાં આવી હતી.
વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ નેહા પટેલ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પર હાજર રેલવેના સ્ટાફે અમને જણાવ્યું કે, થોડીવાર સુધી મગર મોઢું હલાવતો હતો. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે મગરના માથામાં ગંભીર ઈજા થઈ છે. ગણતરીની મિનિટોમાં તેણે જીવ ગુમાવ્યો હતો. શક્ય છે કે મગર ઝડપથી આવતી કોઈ ટ્રેનની અડફેટમાં આવી ગયો હશે. આ વ્યસ્ત ટ્રેક પર ફરીથી ટ્રેનો દોડતી થાય તે માટે મગરને ત્યાંથી ખસેડવામાં આવ્યો હતો.દરમિયાન કરજણ મિયાગામના સ્ટેશન સુપ્રિટન્ડન્ટ સંતોષ કુમાર જણાવ્યું હતું કે, રાજધાની અમારી પ્રીમિયમ ટ્રેન છે, માટે અમે તેને ક્યારેય ડિલે નથી કરતા. પરંતુ મંગળવારની સવારે અમારે ટ્રેનને રોકી રાખવી પડી જેથી મગરને બચાવવા આવનારી ટીમ ઘટનાસ્થળ પર પહોંચી શકે. પરંતુ દુર્ભાગ્યવશ મગરનો જીવ બચાવી ના શકાયો.