Site icon Revoi.in

રાજકોટ અગ્નિકાંડની તપાસનો સીટનો રિપોર્ટ તૈયાર, ગણતરીની કલાકોમાં જ સરકારને સોંપાશે

Social Share

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડની તપાસ માટે ગુજરાત સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશ ટીમ-SITની રચના કરી હતી. સીટ દ્વારા અધિકારીઓના નિવેદનો લઈને અગ્નિકાંડ માટે તંત્રના ક્યા અધિકારીઓ જવાબદાર છે. તેની સંપૂર્ણ તપાસ કરીને તેમજ ભવિષ્યમાં આવી દૂર્ઘટના ન સર્જાય તે માટેના ઉપાયો અને સુચનો મેળવીને તેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી દેવાતા હવે ગણતરીના કલાકોમાં સરકારને સુપરત કરવામાં આવશે. એવુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ અગ્નિકાંડ મામલે રચવામાં આવેલી SIT દ્વારા લાગતાવળગતા તમામ વિભાગના અધિકારીઓનાં નિવેદનો લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે. બુધવારે મોડીરાત્રે બે વાગ્યા સુધી નિવેદનો લેવામાં આવ્યાં હતાં. ગુરૂવારે વહેલી સવાર સુધી કામગીરી કરવામાં આવી છે. ખૂબ મોટી સંખ્યામાં અધિકારીઓ અને લાગતાવળગતા વિભાગના તમામ લોકોનાં નિવેદનો લેવામાં આવ્યાં છે. તમામની જવાબદારી નક્કી કરવામાં આવી છે. સવાર સુધીમાં એસઆઇટી દ્વારા સરકારને રિપોર્ટ સુપરત કરાશે.

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે 27નો ભોગ લીધો હતો. આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે સીટ બનાવી હતી. સીટનો તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુકત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે. મ્યુનિના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે 3 વર્ષથી ચાલતા ગેરકાયદે ગેમિંગ ઝોન સામે કોઈ પગલાં લીધાં નથી. ગેમિંગ ઝોન માટે પાકું બાંધકામ થયાને 3 વર્ષ વીતી જવા છતા એની સામે આંખ આડે કાન કરી લીધા હતા. રહેણાક હેતુ માટે ફાળવેલી જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિ પુરજોશમાં ચાલતી હતી છતાં એને અટકાવવાના પ્રયત્નો થયા નથી. કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને એન્જિનિયરે ગેરકાયદે બિલ્ડિંગને હંગામી બાંધકામની કેટેગરીમાં મૂકીને ગંભીર બેદરકારી દાખવી છે. એ સિવાય ફાયરના અધિકારીઓએ એકપણ વખત કોઇ મુલાકાત લીધી નથી અને નોંધ સુધ્ધાં લીધી નથી. ફાયર વિભાગના અધિકારીઓના બેજવાબદારપણાને લીધે 27 લોકો મોતને ભેટ્યા હતા.