સુરતઃ શહેરમાં 38 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનિષ કુકડિયા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ આજે મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઈ ગયા છે. જેની જાહેરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કરી હતી. મનિષા કુકડિયાએ ફરી આપમાં જોડવા માટે આપના નેતાઓનો આભાર માન્યો હતો.
સુરતમાં આમ આદમી પાર્ટીના છેલ્લા 38 દિવસમાં અડધો ડઝન કોર્પોરેટર વાજતે ગાજતે ભાજપમાં જોડાયા હતા. જેમાં એક કોર્પોરેટરને ભાજપમાં જોડાયા બાદ ફરી આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા હતા.વોર્ડ નંબર-4માં આપમાંથી ભાજપમાં જોડાયેલા મનિષા કુકડીયા તેમના પતિ સાથે આજે ફરીથી આપમાં જોડાયા તેને પુનઃ ગૃહ પ્રવેશ આપવામાં આવ્યો છે. આજે ફરીથી આપમાં જોડાયા બાદ મનિષા કુકડીયા પોતે કોઈ વધુ વાત કરી શક્યા ન હતા. પરંતુ તેમના પતિ જગદીશભાઈએ કહ્યું હતું કે મારી પત્નીને એવું હતું કે વિપક્ષમાં કોઈ કામ નહીં થાય તેથી તેઓ સત્તા પક્ષ ભાજપમાં જોડાયા હતા. તેઓ ભાજપમાં જોડાયાના દોઢેક માસમાં તેમણે આપણે ધારીયે તેવું ભાજપમાં થતું નથી ત્યાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને લોકતંત્રનું હનન થાય છે. તેથી મારી પત્નીએ પહેલા રાજીનામું આપવાની વાત કરી હતી. જોકે, ત્યારબાદ અમે ફરીથી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અમારા જીવના જોખમે ભાજપમાંથી આપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે તેવું પણ કહ્યું હતું. તેમને ફરીથી આપમાં જોડાયા બાદ આપના નેતાઓએ પક્ષ છોડીને ગયેલા તમામ કોર્પોરેટરોને તેમની ભૂલ થઈ હોય તો કે અન્ય કંઈ થયું હોય પણ પાછા પક્ષમાં આવી જાવ તેવી વાત કરી હતી. આપના કોર્પોરેટરો જ્યારે ભાજપમાં ગયાં ત્યારે ખરીદાયા છે કે ભ્રષ્ટાચારી છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ભાજપમાંથી આપમાં પરત ફરેલા મહિલા કોર્પોરેટર મનિષા કુકડીયા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા પાછળનું કારણ હતું કે લોકોના કામ નથી થતા એટલે સરળતાથી કામો થઈ જાય તેના માટે હું ભાજપમાં જોડાઈ હતી. પરંતુ ત્યાં ગયા પછી મને ખૂબ જ આશ્ચર્ય થયું. થોડા જ સમયમાં મને જાણવા મળ્યું કે જેટલી પણ ગ્રાન્ટ મળે છે સરકાર તરફથી વિકાસના કામ માટેની તેની 20 ટકા જેટલી રકમ આપવાની હોય છે. એટલું જ નહીં સરકારી કામકાજમાં પણ નેતાઓ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ જોઈને મને એવું થયું કે મારી પાર્ટી આમ આદમીમાં જ ફરીથી હું જાવ અને ત્યાં જ લોકોની સેવા કરવા માટેની કામગીરીમાં ફરીથી જોડાઈ જાવ કારણ કે આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચારમુક્ત શાસનનું સ્વપ્ન જોઇ રહી છે અને તે દિશામાં આગળ વધી રહી છે.
આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે મનિષા કુકડીયા દ્વારા જે રીતે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો તેને બાદ હવે તેઓ ફરીથી પક્ષમાં પરત ફર્યા છે. આવી જ રીતે અમને આશા છે કે અમારા અન્ય કોર્પોરેટરો પણ ધીરે ધીરે અમારી સાથે જોડાઈ જશે. આમ આદમી પાર્ટીના અત્યારે કોર્પોરેટરો છે તેઓ સંપૂર્ણ રાજનેતાઓ નથી કે તેમની માનસિકતા પણ એ પ્રકારની નથી. ઘણી વખત ક્યારેક ભૂલ થઈ જાય અથવા તો ઉતાવળિયા નિર્ણય લેવાઈ જતો હોય છે એ માનવ સહજ સ્વભાવ છે. પરંતુ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં જઈને થોડા જ સમયમાં જે પ્રકારનો તેમને ખરાબ અનુભવ થયો છે. જેને કારણે તેઓએ ઇચ્છા વ્યક્ત કરી કે ફરીથી મારે પાર્ટીમાં જોડાવું છે અને તેમને આવકારી લીધા છે કારણ કે તે અમારા જ પરિવારના છે.