દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં પ્રદુષણમાં ઘટાડો થાય તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતમાં લગભગ 49 હજાર ગામનુ પાણી પ્રદુષણથી પ્રભાવિત થયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પ્રદુષિત પાણીને કારણે ગ્રામજનોના આરોગ્યને પણ નુકશાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સંસદીય સમિતિ એ એક અભ્યાસ બાદ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં જળનું પ્રદુષણ વધ્યાનો દાવો કરવામાં આવ્યો છે. 49000 ગામડાઓની જનતાને અનેક પ્રકારના રોગ થઈ શકે છે અને તેમનું આરોગ્ય સંપૂર્ણ રીતે જોખમમાં મુકાયું છે. જળ સંશાધન વિભાગ તેમજ નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય છે અને એમની ગુનાહીત બેદરકારીના લીધે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પીવાલાયક રહ્યાં નહીં હોવાનો ઉલ્લેખ કર્યો છે. હજારો ગામડાઓમાંને પીવાલાયક પાણી સૌપ્રથમ પહોંચાડવાની જરૂર છે અને તેના માટે તત્કાલ આ યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત છે નહીંતર દેશના ગ્રામ્ય વાસીઓ મોટા રોગમાં સપડાઈ શકે છે અને તેમનું આરોગ્ય સદંતર રીતે જોખમમાં મુકાયું છે.
લોકસભાના સભ્ય સંજય જયસ્વાલની આગેવાની હેઠળની સંસદની સમિતિ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમજ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ કમિટીમાં અન્ય ૨૦ જેટલા સંસદ સભ્યો પણ સામેલ છે. સર્વ સંમતિથી તૈયાર કરવામાં આવેલા અહેવાલ કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો તેમજ જળ સંશાધન વિભાગ માટે ચેતવણીરૂપ છે. પાણીની અંદર અનેક જોખમી તત્વો હોવાનું અહેવાલમાં ઉલ્લેખ છે ખારાપણું વધારે છે તેમજ ફલોરાઈડ અને આયર્ન જેવી ભારે ધાતુઓ ની માત્રા પાણીમાં વધુ દેખાય છે એટલા માટે પાણી સંપૂર્ણ રીતે પ્રદૂષિત છે.