અમદાવાદઃ રાજ્યમાં તબીબી શાખાના પીજી ડિપ્લોમાં કે ડિગ્રીના વિદ્યાર્થીઓએ કોરોનાના કાળ દરમિયાન સરકારી હોસ્પિટલોમાં સારીએવી સેવા આપી હતી, વિદ્યાર્થીઓની આ સેવાને બોન્ડમાં ગણતરીમાં લેવા માટે વિદ્યાર્થીઓની ઘણા સમયથી માગ હતા. આખરે તબીબી વિદ્યાર્થીઓની સેવાને બોન્ડ ગણવાની જાહેરાતની પરિપત્ર કરીને જાહેરાત કરવામાં આવી છે. રાજયની સરકારી મેડિકલ કોલેજમાં વર્ષ 2019 અને 2020 દરમિયાન ડીગ્રી-ડીપ્લોમાના પી.જી. અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલા બોન્ડેડ તબિબોને ખાસ કિસ્સામાં સિનિયર રેસિડન્સીના એક વર્ષના સમયગાળાને બોન્ડ ગણવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગરની સરકારી કોલેજમાં વર્ષ 2019 અને 2020 દરમિયાન સ્ટેટ કવોટાની બેઠક પર પ્રવેશ મેળવીને અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થીઓને એક વર્ષની ગ્રામ્ય સેવા કરવાનો બોન્ડ કરવામાં આવ્યા હતા. કોવિડના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે આ વિદ્યાર્થીઓને કોવિડમાં સેવા આપવા માટે એક વર્ષની ગ્રામ્ય સેવા કરવામાંથી મુકિત આપવાની જાહેરાત કરી હતી. હવે આ જાહેરાતનો અમલ કરતો પરિપત્ર રાજય સરકારે કર્યો છે. આ પરિપત્ર સાથે જે પી.જી.ડીપ્લોમાં અને ડીગ્રીના વિદ્યાર્થીઓએ કોવિડ દરમિયાન સેવા આપી છે, તેમના સિનિયર રેસિડન્સીની બોન્ડ સેવાના મજરે આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓને એક વર્ષની ગ્રામ્ય સેવા કરવાની થતી હોય તેમને વડનગર, ધારપુર-પાટણ, જૂનાગઢ, વલસાડ, હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં અથવા તો જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ સોપવામાં આવશે તેવો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. અગાઉ જુનિયર ડોક્ટરોએ આ સહિતના કેટલાક મુદ્દાઓ પર હડતાળ પણ પાડી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જે તબીબી વિદ્યાર્થીઓ સરકારી કોલેજોમાં નજીવી ફીમાં અભ્યાલ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને એક વર્ષ ગામડાની હોસ્પિટલોમાં સેવા આપવી ફરજિયાત છે. જે વિદ્યાર્થી ગામડાંમાં સેવા આપવા માગતા ન હોય તેવા વિદ્યાર્થીઓને બોન્ડપેટે સરકારમાં નિયત કરેલી રકમ ભરવી પડતી હોય છે. કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોસ્પિટલોમાં રાત-દિવસ ફરજ બજાવી હતી.સરકારે તે સમયગાળાને બોન્ડ ગણવાનો નિર્ણય લીધો છે.