Site icon Revoi.in

રાજકોટમાં આવાસ ફાળવણીમાં થયેલી ગેરરીતિના મુદ્દે ભાજપના કોર્પોરેટરનું રાજીનામું માગી લેવાયુ

Social Share

રાજકોટઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે રાજકોટ શહેરમાં ભાજપના એક મહિલા કોર્પોરેટર સામે શહેરના ગોકુલનગર આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં ગેરરીતિ થયાના આક્ષેપો થતાં જ  શહેર ભાજપએ વોર્ડ-6ના કોર્પોરેટર અને મ્યુનિની એક કમિટીના ચેરમેન દેવુ જાદવનું રાજીનામું માગી લેવામાં આવ્યું છે. અને તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મ્યુનિ.ના કે પક્ષના કોઈપણ કાર્યક્રમમાં હાજર ન રહેવા પણ તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં વોર્ડ નંબર 5 અને 6ના મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા મળતિયાઓને આવાસ યોજનાના ક્વાર્ટર ફાળવી દીધા અને નોકરી માટે રૂપિયાની માગણી કરી હોવાના આક્ષેપ થતા જેને પગલે રાજકોટ શહેર ભાજપ દ્વારા બન્ને મહિલા કોર્પોરેટર સામે કડક કાર્યવાહી સાથે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં શહેર પ્રમુખ દ્વારા વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટર દેવુ જાદવને કાયદો અને નિયામક સમિતિના ચેરમેન પદેથી હટાવી રાજીનામું માગી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત તપાસ કમિટીનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોર્પોરેશન કે પાર્ટીના પણ કોઈ કાર્યક્રમમાં ન આવવા તાકીદ કરી છે.

રાજકોટ શહેર ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન અંતર્ગત ગોકુલનગર આવાસ યોજનાનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં બાકી રહેલા 193 આવાસનો ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોની કાર્યવાહીમાં ગેરરીતિ થઈ હોવાનું પ્રકાશમાં આવતા અને મહિલા કોર્પોરેટર સામે આક્ષેપો થતાં જ  આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યવાહી કરી તપાસ સોંપવામાં આવી છે. તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ આ આક્ષેપ અંગે સત્ય શું છે તે સામે આવશે. આક્ષેપના પગલે પાર્ટી દ્વારા રાજકોટ વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુ જાદવ કે જેઓ કાયદો અને નિયામક સમિતિના ચેરમેન છે, તેમને સસ્પેન્ડ કરી તેમની પાસેથી રાજીનામું મેળવી લેવામાં આવ્યું છે. એટલું જ નહી આ સાથે જે બન્ને કોર્પોરેટર સામે આક્ષેપ છે. તે બન્ને કોર્પોરેટરે તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોર્પોરેશન કે પાર્ટીના કોઈ કાર્યક્રમમાં પણ આવવું નહીં તેવી સૂચના આપવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ટુંકસમયમાં તપાસ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે. તપાસના અંતે જો આક્ષેપો સાચા ઠરશે તો આગામી સમયમાં તેમની પાસે ક્યાં પ્રકારે કાર્યવાહી કરવી તે અંગે માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરવામાં આવશે.