Site icon Revoi.in

રાજકોટમાં ભાજપના સભ્ય નોંધણીની જવાબદારી મૂળ કોંગેસી 3 નેતાઓને માથે

Social Share

રાજકોટઃ ગુજરાતમાં વરસાદી આફત ટાણે લોકો મદદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ભાજપ સભ્ય નોંધણી અભિયાન હાથ ધર્યું છે. રાજ્યભરના નેતાઓને ભાજપના સભ્ય નોંધણીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં ભાજપના સભ્ય નોંધણી માટેના નિરીક્ષણની 6 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ત્રણ નેતાઓ કોંગ્રેસને રામરામ કરીને ભાજપમાં આવેલા છે, એટલે કે 3 નેતાઓ મુળ કોંગ્રેસી છે. વર્ષોથી કોંગ્રસમાં રહેલા પાટલીબદલું ભાજપના નેતાઓ હવે લોકોને ભાજપની વિચારધારા સમજાવીને પક્ષમાં જોડાવવા માટે અભિયાન આદરશે. શહેર ભાજપએ લીધેલા આ નિર્ણયથી ભાજપના કાર્યકર્તાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાત પ્રદેશ ભાજપમાં દરેક ચૂંટણીઓ વખતે ભરતી મેળાઓ યોજીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની મોટાપાયે ભરતીઓ કરવામાં આવી છે. હવે સ્થિતિ એ ઊભી થઈ છે કે, મુળ કોંગ્રેસી પાટલી બદલુંઓને મહત્વના હોદ્દા આપવાની ભાજપને ફરજ પડી રહી છે. ભાજપ તેની વિચારધારાથી ફંટાય રહ્યાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ભાજપની ભરતી પ્રક્રિયાને કારણે ભાજપનું કોંગ્રેસીકરણ થઇ ગયાની વાતો લાંબા સમયથી ચાલી રહી છે અને આ વાતને રાજકોટ શહેર ભાજપે સાબિત કરી દીધી છે. રાજકોટમાં સભ્ય નોંધણી અભિયાનની ક્લસ્ટર વાઇઝ જવાબદારી જે આગેવાનોને સોંપવામાં આવી છે તેમાં 50 ટકા મૂળ કોંગ્રેસી આગેવાનો છે. છ આગેવાનોમાંથી 3 મૂળ કોંગ્રેસી છે. સભ્ય નોંધણી અભિયાન માટે રાજકોટ શહેર ભાજપે શહેરના 18 વોર્ડને 6 ક્લસ્ટરમાં વિભાજિત કર્યા છે જેમાં ક્લસ્ટર વાઇઝ જવાબદારીમાં વોર્ડ નં.1, 2, 3માં ડો.જૈમન ઉપાધ્યાય, વોર્ડ નં.4, 5, 6માં વલ્લભ દુધાત્રા, વોર્ડ નં.8, 9, 10માં પુષ્કર પટેલ, વોર્ડ નં.11, 12, 13માં ડો.પ્રદીપ ડવ અને વોર્ડ નં.7, 14, 17માં અશોક ડાંગર અને વોર્ડ નં.15, 16, 18માં જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં ભાજપની સભ્ય નોંધણીમાં છ ક્લસ્ટર હેડમાંથી ડો.જૈમન ઉપાધ્યાય, ડો.પ્રદીપ ડવ અને અશોક ડાંગર મૂળ કોંગ્રેસી છે. ડો.જૈમન ઉપાધ્યાય અને ડો.પ્રદીપ ડવ ભાજપમાં જોડાયા બાદ તેમને ભાજપે મેયર પદ પણ આપ્યું છે અને પૂર્વ મેયર અશોક ડાંગર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાંથી કોર્પોરેશનની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા અને લોકસભાની ચૂંટણી વખતે ફરીથી ભાજપમાં જોડાઇ ગયા હતા. હવે આ ત્રણ આગેવાન મૂળ કોંગ્રેસી છે. જેઓ હવે ભાજપના સંનિષ્ઠ કાર્યકરો આગેવાનોને ભાજપની વિચારધારા સમજાવી રહ્યા છે. એટલું જ નહીં ભાજપ સવર્ણોનો પક્ષ કહેવાય છે, પરંતુ સભ્ય નોંધણી અભિયાનની ક્લસ્ટર વાઇઝ જવાબદારીમાં વણિક, લોહાણા, ક્ષત્રિય સહિતના ઉજળિયાત વર્ગને સ્થાન નહીં અપાતા આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે.