Site icon Revoi.in

ટાટા ટ્રસ્ટની જવાબદારી નોએલ ટાટાને સોંપાઈ, વર્ષોથી ટાટા ગ્રુપ સાથે છે જોડાયેલા

Social Share

મુંબઈઃ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન બનાવવામાં આવ્યાં છે. દિવંગત રતન ટાટાના નિધન બાદ નોએલ ટાટાને આ જવાબદારી સોંપવામાં આવી છે. રતન ટાટાને વર્ષ 1991માં ટાટા ગ્રુપની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી તેઓ ટાટા ટ્રસ્ટના ચેરમેન હતા. હવે ટાટા ટ્રસ્ટની કમાન સર્વસમ્મતિથી સાથે નોએલ ટાટાને સોંપવામાં આવી છે. નોએલ ટાટા સ્વ. રતન ટાટાના સાવકા ભાઈ છે જે છેલ્લા 40 વર્ષથી ટાટા ગ્રુપ સાથે જોડાયેલા છે.

નોએલ ટાટાની ટાટા ટ્રસ્ટના કામકાજમાં ખુબ મહત્વની ભૂમિકા રહેલી છે. હાલના સમયમાં તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે જે ટાટા ટ્રસ્ટની અંદર જ આવે છે. આ ટ્રસ્ટ ટાટા ગ્રુપના પરોપકાર સાથે જોડાયેલી કામગીરીને મેનેજ કરે છે તેમજ ટાટા સન્સ કે જે ટાટા ગ્રુપની જ પેરેન્ટ કંપની છે તેમાં પણ ટાટા ટ્રસ્ટની 66 ટકા હિસ્સેદારી છે.

નોએલ ટાટા ટાટા ગ્રુપની અનેક કંપનીઓના બોર્ડમાં સામેલ છે એટલું જ નહીં ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેંટ, ટાટા ઈન્ટરનેશનલ લીમીટેડ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ચેરમેન છે તેમજ ટાટા સ્ટીલ તથા ટાઈટનના વાઈસ ચેરમેન છે. તેમના કાર્યકાળમાં ટ્રેંટની સફળતા હાલ ચારેય તરફ થઈ રહી છે. ટ્રેંટની માર્કેટ કેપ 2.93 લાખ કરોડ સુધી પહોંચી છે. ટાટા ઈન્ટરનેશનલ લીમીટેડમાં નોએલ ટાટા ઓગસ્ટ 2010થી લઈને 2021 સુધી મેનેજીંગ ડાયરેક્ટર હતા અને તેમના કાર્યકાળ દરમિયાન કંપનીનું ટર્નઓવર 500 મિલિયન ડોલરથી વધીને 3 બિલિયન ડોલર થયું હતું.

નવલ એચ ટાટા અને સિમોન ટાટાના દીકરા નોએલ ટાટાના લગ્ન આલુ મિસ્ટ્રી સાથે થયા હતા. નોએલ ટાટાની પત્ની શપૂરજી પલોનજી ગ્રુપના મિસ્ત્રી ફેમિલીના છે. શપૂરજી પલોનજી ગ્રુપની ટાટા સન્સમાં 18.3 ટકા જેટલી ભાગીદારી છે. નોએલ ટાટાના દીકરા નેવિલ ટાટા પણ ટ્રેંટ સાથે વર્ષ 2016થી જોડાયેલા છે અને સ્ટાર બજારના પ્રમુખ છે. નોએલ ટાટાની દીકરીઓ પણ ટાટા ગ્રુપની કંપનીઓ સાથે જોડાયેલી છે. લિઆ ટાટાને થોડા સમય પહેલા જ ઈન્ડિયન હોટલ્સના ગેટવે બ્રાંડની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે બીજી દીકરી માયા ટાટાની રૂચી ન્યૂ-એજ ટેકનોલોજીમાં છે. તેમજ તેઓ ટાટા ડિજીટલ સાથે જોડાયેલી છે.