Site icon Revoi.in

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે

Social Share

અમદાવાદઃ ધો, 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ધો. 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે 31 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેમના પરિણામની ઝેરોક્સ આપીને એની જાણ કરવાની રહેશે.

રાજયમાં ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચતર બુનિયાદી પ્રવાહના વર્ષના 2021ના નિયમીત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ થઇ હતી. જે રીતે સરકાર દ્વારા પરિણામ જાહેર કરવાની ફોર્મ્યુલા આપવામાં આવી હતી તે પરિણામ તૈયાર થઇ ગયુ છે અને આવતીકાલે તા.31ના રોજ સવારે 8 વાગ્યે આ પરિણામ જાહેર કરવામાં આવશે.

શાળાઓએ તેમનું પરિણામ શાળાના ઇન્ડેક્ષ નંબર અને પાસવર્ડ મારફત લોગઇન કરીને ડાઉનલોડ કરવાનું રહેશે અને પ્રિન્ટ કાઢી શકશે. શાળાઓ વિદ્યાર્થીઓને તેના ગુણપત્રની નકલ આપી પરિણામની જાણ કરી શકશે. રાજયમાં ચાલુ વર્ષે માસ પ્રમોશનના કારણે ધો.10, 11ની પરીક્ષાના માર્કસ તથા ધો.12ની આંતરીક પરીક્ષાના માર્કના આધારે આ પરિણામ તૈયાર કરવામાં આવ્યુ છે અને તે આવતીકાલે આપવામાં આવશે જે બાદ રાજયમાં કોલેજોમાં એડમીશન માટેની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.

રાજ્ય સરકારે ધો. 10ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો નિર્ણય લીધા પછી ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીને પણ માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. એવામાં પહેલીવાર ધો. 12 બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે 100 ટકા પરિણામ જાહેર કરાશે. અમદાવાદની 550 સ્કૂલોએ ધોરણ 12નું પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઈટ પર મૂક્યું હતું.

નોંધનીય છે કે ગઈકાલે જ ધોરણ-10ના ગણિતના માર્ક ધોરણ 12ના આંકડાશાસ્ત્રમાં ગણતરીમાં લેવા થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી હતી. એ બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે. કોમર્સમાં અકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનો વિષય એ ગણિતનો વિષય છે અને ધોરણ-10નું ગણિત એનો પાયો છે તેથી એને ગણતરીમાં લેવા જોઇએ. સરકારે કરેલો નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાનકર્તા છે. 10માં ધોરણના ગણિતના માર્ક ગણતરીમાં નહીં લેવાય તો વિદ્યાર્થીઓને 8થી 10 ટકા જેટલું પરિણામ નીચું જશે. બોર્ડે જાહેર કરેલા પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો હતો. ધો. 10ના ગણિતના માર્ક ધો.12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્રમાં ઉમેરવાનો નિયમ સરકારે રદ કર્યો હતો.