અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતા મહિનાથી લેવાનારી ધારણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉપરાતં ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પણ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. એટલે કે પરીક્ષાના બીજા દિવસથી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અને ધોરણ 10 અને 12નું પરિણામ એપ્રિલના અંત પહેલા જ જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે. ધોરણ 10-12ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે આ વર્ષે બોર્ડનુ પરિણામ એક મહિના પહેલા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. પરિણામ વહેલા જાહેર કરી શકાય તે માટે મૂલ્યાંકનની કામગીરી વહેલા શરૂ કરીને વહેલા આટોપી લેવાશે, તેમજ ડેટાએન્ટ્રીનું કામ પણ વધુ ઓપરેટરોને કામે લગાડીને વહેલા પૂર્ણ કરાશે. ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવી શકે છે. ધો.10 અને 12ની પરીક્ષાનું પરિણામ એક મહિના પહેલા એટલે કે એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી છે. બોર્ડના વહેલા પરિણામથી ઉચ્ચ અભ્યાસમાં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ધોરણ-12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ત્યારે હવે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર લોગીન કરીને વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.