અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી ઓનલાઇન એક્ઝામ પૂર્ણ થઇ ચુકી છે. અને હાલમાં ઓફલાઇન એક્ઝામ શરૂ કરી દેવામાં આવી છે. આ એક્ઝામ આગામી 15 દિવસમાં પુરી થાય તેમ છે. મહત્વની વાત એ કે, ગતવર્ષની જેમ આ વર્ષે પણ ઓફલાઇન એક્ઝામ પુરી થયા બાદ ઓનલાઇન અને ઓફલાઇન એક્ઝામના પરિણામ એકસાથે આપવાનુ નક્કી કરાયુ છે. જેના કારણે પરિણામમાં વિલંબ થાય તેવી શકયતાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગતવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઓનલાઇન અને ઓફલાઇન એમ, બે પ્રકારની પધ્ધતિમાં જુદા જુદા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી છે. આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતના છેલ્લા સેમેસ્ટરની ઓનલાઇન એક્ઝામ હાલ પુરી થઇ ચુકી છે. જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન એક્ઝામના બદલે ઓફલાઇન એક્ઝામનો વિકલ્પ પસંદ કર્યો છે તેમની પરીક્ષાઓ પણ બે દિવસથી શરૂ કરવામાં આવી છે. લૉ માં જુદા જુદા સેમેસ્ટરની પરીક્ષા આગામી 27મી જુલાઇથી શરૂ થઇ રહી છે.
સામાન્ય રીતે ઓનલાઇન એક્ઝામ પુરી થઇ ચુકી હોવાથી તેનુ પરિણામ પણ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. ઓનલાઇન એક્ઝામ એમસીક્યુ આધારિત હોવાથી ગણતરીના દિવસોમાં જ પરિણામ તૈયાર થઇ જતુ હોય છે. પરીક્ષા વિભાગના સૂત્રો કહે છે હાલમાં ઓનલાઇન એક્ઝામનુ પરિણામ તૈયાર છે પરંતુ ઓફલાઇન એક્ઝામ પુરી થયા બાદ બન્ને પરિણામ એકસાથે જાહેર કરવામાં આવશે. ઓનલાઇન એક્ઝામ પુરી થયા બાદ હાલમાં વિદ્યાર્થીઓએ આગળના સેમેસ્ટરનો અભ્યાસ શરૂ કરી દીધો છે પરંતુ ઓનલાઇન એક્ઝામનુ પરિણામ આવ્યુ નથી.
ઓનલાઇન અને ઓફલાઇન એક્ઝામ અલગ અલગ લેવામાં આવી છે તો પછી પરિણામ એકસાથે જાહેર કરાશે કે જુદા જુદા તે અંગે પરીક્ષા વિભાગના અધિકારી કહે છે હાલમાં ઓનલાઇન એક્ઝામનુ પરિણામ તૈયાર રાખવામાં આવ્યુ છે. કુલપતિ કહે તે પ્રમાણે માત્ર ઓનલાઇન એક્ઝામનુ પરિણામ અથવા તો બન્નેનુ એકસાથે પરિણામ જાહેર કરવામાં આવશે. અગાઉ બન્ને પરિણામ એકસાથે જાહેર કર્યા હોવાથી આ વખતે પણ બન્ને પરિણામ એકસાથે જ જાહેર થાય તેવી શકયતાં છે.