અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ કેવી રીતે તૈયાર કરાશે તે અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. બોર્ડની જાહેરાત પ્રમાણે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જુલાઇના બીજા સપ્તાહમાં અને સામાન્ય પ્રવાહનું પરિણામ જુલાઇના ત્રીજા સપ્તાહ સુધીમાં જાહેર કરાશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટ જુલાઇના છેલ્લા સપ્તાહમાં સુપરત કરાશે. જોકે, શાળાઓએ 25મી જૂન સુધીમાં પરિણામ તૈયાર કરીને બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરી દેવાની સૂચના અપાઈ છે. બોર્ડની ગાઇડલાઇનનું પાલન ન કરનારી શાળા સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોનાને લીધે ચાલુ વર્ષે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. જોકે, માસ પ્રમોશન છતાં વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની હોવાથી પરિણામ કેવી રીતે તૈયાર કરવું તેનો નિર્ણય કરવા માટે તા.4 જૂનના રોજ શિક્ષણવિદ્દોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની એક બેઠક 9મી જૂનના રોજ મળી હતી. આ સમિતિએ કરેલી મોટાભાગની ભલામણો સરકારે સ્વીકારી લીધી છે. સરકારે આ ભલામણો સ્વીકાર્યા બાદ બોર્ડને સુપરત કરવામાં આવી હતી. જેના આધારે બોર્ડ દ્વારા વર્ષ 2020-21ના વર્ષમાં અભ્યાસ કરતાં ધો.12ના નિયમિત વિદ્યાર્થીઓની પરિણામ કેવી રીતે તૈયાર કરવા તેની ગાઇડલાઇન જાહેર કરીને શાળાઓને મોકલી આપવામાં આવી છે. બોર્ડે નિયત કરેલા સમયમાં દરેક શાળાઓએ પરિણામ તૈયાર કરીને મોકલી આપવાના રહેશે.
દરેક શાળાઓએ આ માટે પરિણામ સમિતિની રચના કરવા સૂચના આપવામાં આવી છે. શાળાના આચાર્ય આ સમિતિના અધ્યક્ષ તરીકે કાર્યરત રહેશે. ધો.12ના પરિણામ તૈયાર કરવાની અને રેકર્ડની વિશ્વસનિયતા અને જાળવણીની જવાબદારી આચાર્યની રહેશે. જે રેકર્ડના આધારે પરિણામ તૈયાર કરવામાં આવે છે તે આગામી પાંચ વર્ષ સુધી જાળવી રાખવાનો રહેશે. શાળાઓએ પરિણામના આધાર તરીકે લીધેલા તમામ આધાર પર પરિણામ સમિતિના સભ્યોની સહીઓ લેવાની રહેશે. આ તમામ રેકર્ડ શાળાના આચાર્યની કસ્ટડીમાં રાખવામાં આવશે, બોર્ડ અને સરકાર નિયુક્તિ વ્યક્તિ વેરિફિકેશન માટે માગે ત્યારે આપવાનો રહેશે. જો બોર્ડે પરિણામ જાહેર કરવા માટે આપેલી સૂચનાનુ પાલન કર્યા વગર કામગીરી કર્યા હોવાનું સાબિત થાય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 અને 1974 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. જેમાં શાળાની નોંધણી રદ કરવા, શાળાને નાણાંકીય દંડ અથવા તો શાળા સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી ધો.12નુ પરિણામ અટકાવવા સહિતના પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.