તલાટી કમ મંત્રીની પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં આવે તેવી શકયતા
અમદાવાદઃ રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા સંપન્ન થઈ હતી. જેથી વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પરીક્ષાનું પરિણામ આગામી જૂન મહિનામાં જાહેર થાય તેવી શકયતા છે. ઉચ્ચ અધિકારી હસમુખ પટેલે તલાટી કમ મંત્રીની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થતા પોલીસ વિભાગ, એસટી તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક જનતા અને અમદાવાદના રિક્ષા ચાલકોનો આભાર માન્યો હતો.
ઉચ્ચ અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું કે, તમામ ઉમેદવારોને પરીક્ષાખંડમા પહોંચતા પહેલા સૌ પ્રથમ ચેક કરવામા આવ્યા હતા. સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈ પણ સ્થળે ગેરરીતીની ઘટના સામે આવી નથી. ગુજરાત એસટી વિભાગે ઉમેદવારોના પરિવહન માટે વિશેષ બસ વ્યવસ્થા ગોઠવી હતી. સ્પેશિલ બસોમાં 60 ટકાનું બુકીંગ થયું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરીક્ષા દરમિયાન વહીવટી તંત્રની ઉપરાંત સામાજીક સંસ્થાના કાર્યકરો, પરીક્ષા કેન્દ્રની આસપાસની પ્રજા તથા અમદાવાદના રિક્ષા ચાલકો ઉમેદવારોને તકલીફ ના પડે તે માટે તંત્રની સાથે ઉભા રહ્યાં હતા. પોલીસ અને એસટી નિગમની સાથે આ લોકોના પ્રયાસોથી પરીક્ષા કોઈ પણ જાતની અડચણ વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે.
તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ, જેના માટે સહકાર આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર. પરીક્ષા શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે જહેમત ઉઠાવનાર પરીક્ષા સમિતી, પરીક્ષાર્થીઓને કોઈ અગવડ ન પડે માટે સતત ખડેપગે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવનાર અને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર પોલીસ તંત્ર, તમામ કેન્દ્રના ફરજ પરના કર્મચારીઓ, સંલગ્ન સામાજિક કાર્યકરો, સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર.
અમદાવાદ સહિત રાજ્યના લગભગ 30 જિલ્લામાં ઉભા કરાયેલા 2694 પરીક્ષા કેન્દ્રોમાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઈ હતી.