ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. માર્ચ મહિનાની પરીક્ષામા જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, તે વિદ્યાર્થીઓની જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. 2 દિવસ અગાઉ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું, બુધવારે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું ત્યારે હવે આજે શુક્રવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. બોર્ડ દ્વારા ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ શુક્રવારે સવારે જાહેર કરીને બોર્ડની વેબસાઈટ પર મુકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ-10ની પૂરક પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર આજે સવાર જાહેર કરવામાં આવશે. ધોરણ-10 અને 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી, જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. 10 જુલાઈથી પૂરક પરીક્ષા શરૂ થઈ હતી. પૂરક પરીક્ષાના 15 દિવસમાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં પાસ થનાર વિદ્યાર્થીઓના આગળ અભ્યાસ કરી શકશે. પરિણામ આવ્યા બાદ એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓને માર્કશીટ પણ સ્કૂલમાંથી આપવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે ધો.12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં કુલ 45,437 પરીક્ષાર્થીઓ પૈકી 41,533 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાં 24,740 પાસ થતા પરિણામ 59.57 ટકા રહ્યું છે. ગત વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરીક્ષાનું પરિણામ 62.72 ટકા હતુ. એટલે કે આ વર્ષે ધો.12 સા.પ્ર.ની પરીક્ષાનું પરિણામ 3.15 ટકા ઘટ્યું છે.