વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવશે, રાહુલ ગાંધીની ભવિષ્યવાણી
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આગામી વર્ષ યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે સંયુક્ત વિપક્ષની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમેરિકાના વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આગામી સામાન્ય ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કરશે, પરિણામો લોકોને આશ્ચર્યચકિત કરશે. જરા ગણતરી કરો, એકજૂથ વિપક્ષ ભાજપને પોતાના દમ પર હરાવી દેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં એક વર્ષથી ઓછો સમય બાકી છે અને કોંગ્રેસ અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે નિયમિત વાતચીત કરી રહી છે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું, “વિપક્ષ ખૂબ જ સારી રીતે એકજૂથ છે. અમે તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. મને લાગે છે કે, ઘણું સારું કામ થઈ રહ્યું છે. આ એક જટિલ ચર્ચા છે કારણ કે ત્યાં ઘણા બધા રાજ્યો છે, જ્યાં અમે તે પક્ષો સાથે સ્પર્ધા કરી રહી છે. પરંતુ મને ખાતરી છે કે વિપક્ષનું મહાગઠબંધન થશે.”
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર બંધારણીય સંસ્થાઓને ‘કબજે‘ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યારે તેઓ રાજકારણમાં આવ્યા ત્યારે તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે તેઓ ક્યારેય લોકસભાના સભ્યપદથી અયોગ્ય ઠરશે, પરંતુ આનાથી તેમને લોકોની સેવા કરવાની એક મોટી તક મળી છે.
તેમણે કહ્યું, “મને લાગે છે કે આ નાટકીય વિકાસ ખરેખર લગભગ છ મહિના પહેલા શરૂ થયો હતો. અમે લડી રહ્યા હતા. સમગ્ર વિપક્ષ ભારતમાં લડી રહ્યો છે. બધા પૈસા થોડા લોકો પાસે છે. સંસ્થાઓ કબજે કરવામાં આવી છે.” અમે લોકતાંત્રિક લડાઈ લડવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ.”
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, તેઓ તેમના જીવન પરના જોખમોથી ચિંતિત નથી અને આ પાછળ પડવાનું કારણ હોઈ શકે નહીં. તેણે કહ્યું, “હું જાનથી મારી નાખવાની ધમકીઓથી ચિંતિત નથી. દરેકને મરવાનું છે. મેં મારા દાદી અને પિતા પાસેથી આ જ શીખ્યું છે. તમે આવી કોઈ બાબતથી પાછળ ન હશો.”