નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ છતાં હેમચંદ્રાચાર્ય યુનિના 50 ટકા પરિણામો હજુ જાહેર કરાયા નથી
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે હજુપણ યુનિ, દ્વારા લેવાયેલી અનેક પરીક્ષાઓના પરિણામો જાહેર કરાયા નથી. યુનિવર્સિટી દ્વારા માર્ચ- જૂનની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ સ્નાતક અને અનુસ્નાતકના પરિણામો જાહેર થવામાં વિલંબ થઈ રહ્યા હોવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ લેવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. આથી સત્વરે યુનિવર્સિટી દ્વારા બાકી રહેલા તમામ પરિણામો જાહેર કરવાની માંગ સાથે ABVPની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઇ વહીવટી ભવન આગળ વિરોધ પ્રદર્શન બાદ કુલપતિને આવેદન આપવામાં આવ્યુ હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજોની વાર્ષિક પરીક્ષાઓના 50 ટકા જ પરિણામો જાહેર થયા છે. ત્યારે હાલમાં પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી હોય ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ લેવા માટે ભારે મુશ્કેલી ઉભી થઈ છે. જો ઝડપથી પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવાનો વારો આવતા તેમનું સમગ્ર વર્ષ બગડવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જેથી સત્વરે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા બાકી રહેલા બી.એ, બીકોમ, બીએસસી , એમએસસી જેવા અભ્યાસક્રમોના પરિણામો જાહેર કરવા તેમજ સાથે ઉપરાંત પ્રવેશ પ્રક્રિયાની તારીખો લંબાવવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને છાત્રો સાથે મળી બુધવારે વહીવટી ભવનમાં વિરોધ પ્રદર્શન સાથે કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી. જો ટૂંક સમયમાં છાત્રોના પરિણામો જાહેર નહીં કરાય તો આંદોલનની ચીમકી પર વિચારી હતી. કુલપતિ દ્વારા પરીક્ષા નિયામક સાથે બેઠક કરી પરિણામો ક્યારે જાહેર થશે તેની સ્થિતીની સમીક્ષા કરી વિદ્યાર્થીઓને સંભવિત પરિણામ જાહેર કરવાની તારીખો આપવામાં આવી હતી.