ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામો એપ્રિલ અંત સુધીમાં જાહેર કરી દેવાશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. એપ્રિલ અંત સુધીમાં ધોરણ 10-12ના પરિણામો જાહેર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ સામાન્ય કરતાં એક મહિના જેટલો સમય વહેલાં જાહેર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાના બીજા દિવસથી જ ઉતેતરવહીઓના મૂલ્યાંકનનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે પૂર્ણ થઈ ગયું છે. હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં વધુ ઓપરેટરોને કામે લગાડવામાં આવ્યા છે, અને એપ્રિલના અંત પહેલા પરિણામો તૈયાર કરીને જાહેર કરી દેવાશે. જો કે હજુ પરિણામો જાહેર કરવા માટે બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ બે-ચાર દિવસમાં જાહેરાત કરી દેવાશે.લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે. પરિણામ જાહેર થતાં 15 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 11 માર્ચથી પ્રારંભ થયો હતો. આ પરીક્ષા માર્ચ મહિનાના અંત સુધી ચાલી હતી. પરીક્ષાની સાથે જ શિક્ષકોને મધ્યસ્થ મૂલ્યાંકન માટેના ઓર્ડર આવ્યા હતા. શિક્ષકોએ ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી પણ પરીક્ષા સાથે જ શરૂ કરી હતી. પરીક્ષા પૂર્ણ થતાં પરીક્ષા કામગીરીમાં રોકાયેલા શિક્ષકો પણ મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થતાં જ હવે પરિણામો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત બોર્ડના પરિણામ મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવ્યાં હતાં, પરંતુ આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ એક મહિના જેટલો સમય વહેલાં જાહેર કરવામાં આવશે. તબક્કાવાર ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર થશે. પરિણામ વહેલાં જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે.