Site icon Revoi.in

અમદાવાદ શહેરના 175 રોડના રિસરફેસના કામો ઓકટોબરના અંત સુધીમાં પૂર્ણ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર બન્યા છે. હવે ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 175 જેટલાં રોડ રિસરફેસ કરવામાં આવશે. ઓક્ટોબરનાં અંત સુધીમાં સાતેય ઝોનમાં 175 જેટલાં રોડ રિસરફેસ કરી દેવાશે. તેમ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને હિતેષ બારોટે જણાવ્યુ હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ પડવાનાં કારણે અનેક વિસ્તારનાં રોડ ઉપર ખાડા પડવાની ફરિયાદો વધી હતી. તેમજ અગાઉનાં વર્ષોનાં રોડ રિસરફેસ કરવાનાં બાકી છે. મ્યુનિ.માં નિયમ પ્રમાણે ચોમાસુ પૂરૂ થાય એટલે લગભગ દશેરા બાદ રિસરફેસની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે. તેથી દશેરા બાદ રોડ રિસરફેસની કામગીરીમાં વેગ આવે અને શહેરીજનોને સારા રોડ મળે તેવા હેતુથી તમામ ઝોનનાં એડિશનલ ઇજનેર, કોન્ટ્રાકટરો અને પ્રોજેકટ વિભાગનાં સિટી ઇજનેર તેમજ ડે.કમિશનર વગેરેની સાથે બેઠક યોજી હતી અને તેમાં એક મહિનામાં કેટલા રોડ રિસરફેસ થશે તેની વિગતો માંગવા સાથે હાલ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, શહેરના  સાતેય ઝોનમાં અને રોડ પ્રોજેકટનાં મળી કુલ 175 જેટલાં રોડ ઓક્ટોબરનાં અંત સુધીમાં રિસરફેસ થઇ જશે તેવી ખાતરી ઇજનેરો અને કોન્ટ્રાકટરોએ આપી છે. તેના માટે દરેક કોન્ટ્રાકટરોને બે બે પેવર અને હોટમિક્સ પ્લાન્ટ રાતદિવસ ધમધમતા રાખવા અને યુધ્ધનાં ધોરણે કામ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં એકનાં એક રોડ ઉપર સતત રિસરફેસ કરતાં રહેવાનાં કારણે રોડની ઉંચાઇ વધતી જાય છે અને આસપાસનાં મકાન-સોસાયટી કે દુકાન નીચાણમાં આવી જતાં ચોમાસા દરમિયાન સમસ્યા સર્જાય છે તે બાબતે કોઇ નક્કર આયોજન કરવામાં આવી રહ્યુ નથી. રોડ ખોદીને રિસરફેસ કરવા માટે તમામ કોન્ટ્રાકટરોને સૂચના અપાતી નથી. જોકે માઇક્રો રિસરફેસ કરવામાં આવે તો રોડની ઉંચાઇમાં વધારો થતો નથી. પરંતુ અમુક રોડ ઉપર માઇક્રો રિસરફેસ થઇ શકે તેમ નથી.