રાજકોટઃ ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ સીઝનમાં કપાસના પાકનું મબલખ ઉત્પાદન થયું હતુ. ત્યારે રવિ સીઝનનું ઉત્પાદન પણ એકંદરે સારૂ રહ્યું હતુ. તેમજ ખેડુતોને પણ કપાસના સારા ભાવ મળ્યા હતા. કપાસમાં તેજી રહી હોવાથી જિનિંગ મિલર્સની મુશ્કેલીઓ વધી હતી. હાલ રાજ્યમાં રૂની સીઝન સત્તાવાર રીતે 55 ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે કારણ કે, કુલ 95 લાખ ગાંસડીના પાકના અંદાજ પૈકી 52-53 લાખ ગાંસડી બજારમાં આવી ગઈ છે છતાં ખેડૂતોને ઉંચો ભાવ મળવાની અપેક્ષા છે એ કારણે હજુ 45 ટકા જેટલી આવકો બાકી હોવાનું અનુમાન છે. સીઝનમાં હવે છ માસ બાકી છે ત્યારે જંગી આવકો બાકી રહેતા જિનોને સમસ્યા થઈ રહી છે. ફરીથી કપાસના ભાવમાં તેજી થઈ જતા ખેડૂતોની વેચવાલી ઘટી છે અને જિનિંગ મિલોને પડતરના પ્રશ્નો સર્જાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આ વખતે કપાસના ભાવને કારણે ઘણાબધા જિનિંગના કામકાજ બંધ રહ્યા હતા. ખેડુતોને પોતાના કપાસનો ભાવ મણે રૂ. 2 હજાર કે તેનાથી વધુ મળશે એવા આશાવાદમાં છ મહિના પસાર થઇ ગયા છે અને બજાર ઘટતી ગઈ છે એટલે ભારે નિરાશા ખેડૂતોને સાંપડી હતી. જોકે વેચવાલીના અભાવે અત્યારે કપાસની આવકો અપૂરતી થાય છે અને એની અસરથી જિનિંગ મિલો પચ્ચાસ ટકા કરતા ઓછી ક્ષમતાથી ચાલી રહી હોવાનું કહેવાય છે.
સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિયેશનના સૂત્રોના કહેવા મુજબ માર્ચના બીજા ત્રીજાં અઠવાડિયામાં ખેડૂતો દ્વારા કપાસની વેચવાલીમાં થોડો વધારો થયો ત્યારે આશા બંધાઈ હતી પરંતુ માર્ચ અંતની રજાઓમાં જે રીતે કપાસના ભાવ વધ્યા છે એ જોતા ફરીથી જિનોની સ્થિતિ બગડી છે. ગુજરાતમાં અત્યારે તેમના અંદાજ પ્રમાણે 350 જેટલી જિનિંગ મિલો સક્રિય છે પણ જે મિલો ચાલે છે તે સપ્તાહમાં ત્રણ-ચાર દિવસ માંડ માંડ ચાલી શકે છે. કપાસનો ભાવ માર્ચ અંતની રજા પહેલા રૂ. 1590-1610 સુધી સારી ગુણવત્તામાં મળતો હતો. હવે રૂ.1675-1690 સુધીના ભાવ બોલાઇ જતા ચિંતા વધી છે. કપાસિયા અને ખોળના ભાવમાં થોડી તેજી પાછલા સપ્તાહમાં જોવા મળી હતી. એની અસરે કપાસના ભાવ પણ વધી જતા જિનિંગ મિલોને પડતર બેસવાની આશા હતી તે ધૂળધાણી થઈ છે. તેજીને લીધે ખેડૂતો વધુ આશાવાદી બન્યા છે એટલે વેચવાલી ઓછી આવે છે. બીજીબાજુ જિનોને નિકાસ મોરચે પણ ટેકો નથી. ભારતીય રૂના ભાવ રૂ. 61-62 હજાર વચ્ચે ચાલે છે તેની સામે અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોનું રૂ રૂ. 58-60 હજારમાં બાયરોને મળી રહ્યું છે. વળી, ભારતના રૂમાં હવા અને ટ્રેસ વધારે આવે છે એટલે પણ ભાવફરક ઓછો હોવા છતાં આયાતકારો આપણું રૂ ઓછું પસંદ કરે છે. દેશમાંથી માંડ 10-12 લાખ ગાંસડીની નિકાસ એ કારણે થઈ શકી છે. આ વર્ષે નિકાસમાં મોટું ગાબડું પડવાની ધારણા છે.