કેજરીવાલ હોંશે હોશેં જેના ઘેર જમવા ગયા હતા, તે રિક્ષાવાળો પલટી મારીને ભાજપમાં જોડાયો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ભેથી અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણી ટાણે માત્ર નેતાઓ જ પાર્ટી નથી બદલતા પણ સમર્થકો પણ પાર્ટી બદલતા હોય છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વડા એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ત્યારે એક રિક્ષાચાલકના ઘરે જમવા માટે ગયા હતા. અને એક સામાન્ય નાગરિકના ઘેર કેજરીવાલે ભોજન લીધુ તેને સમાચારોમાં પણ સારૂ સ્થાન મળ્યું હતું. પરંતુ જે રિક્ષાચાલક આમ આદમીનો સમર્થક ગણાતો હતો તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પણ કેસરી ટોપી અને ભાજપનો ખેસ પહેરીને જોવા મળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલના ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદઘાટન કર્યું હતું. વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી થોડા દિવસ પહેલાં જ અમદાવાદના ઘાટલોડિયામાં જે રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા ગયા હતા તે ભાજપની ટોપી અને ભાજપનો ખેસ પહેરીને જાહેરસભામાં વડાપ્રધાનને સાંભળવા માટે આવ્યો હતો.
રિક્ષાચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે હું જ્યારથી વોટ નાખતા શીખ્યો છું ત્યારથી જ ભાજપમાં જોડાયેલો છું અને મોદીનો આશિક છું. જ્યારે હું યુનિયનની સભામાં ગયો ત્યારે મેં અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. એક સામાન્ય નાગરિક અને ગુજરાતી જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે જમવાનું આમંત્રણ આપે છે એવી રીતે જમવા બોલાવ્યા હતા. આમ આદમી પાર્ટી સાથે હું જોડાયેલો નથી. પ્રોટોકોલ તોડીને તેઓ મારી સાથે રિક્ષામાં આવ્યા હતા. હું પહેલાંથી જ ભાજપ માટે જ કામ કરું છું. અમારી આખી સોસાયટી ભાજપને જ મત આપે છે.