- રિક્ષાચાલકની દાદાગીરી
- વિદ્યાર્થી સાથે કરી દાદાગીરી
- 50 રૂપિયા માટે વિદ્યાર્થીનું લેપટોપ લઈને ભાગી ગયો
અમદાવાદ: કેટલીક વાર રિક્ષાચાલકો દ્વારા એવું વર્તન કરવામાં આવતું હોય છે કે જેને કારણે ક્યારેક લોકોને રિક્ષામાં જવું પણ પસંદ આવતું નથી. આવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે જેમાં રિક્ષાચાલક દ્વારા 50 રૂપિયા માટે વિદ્યાર્થીનું લેપટોપ અને તેને સામાન લઈને ફરાર થઈ ગયો.
વાત એવી છે કે માત્ર 50 રૂપિયા વધુ ભાડુ માગતા દલીલ કરનાર યુવકનો સામાન લઈ જવાયાની ઘટના અંગે સાબરમતી પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. મુળ રાજસ્થાનનો 25 વર્ષનો યુવક, અમદાવાદની ખાનગી યુનિવર્સિટીમાં એમ ટેકના પહેલા વર્ષના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. એમ ટેકનો અભ્યાસ કરતા યુવકનું લેપટોપ, કપડાં સહિતની બેગ લઈને રિક્ષાચાલક પલાયન થયો છે.
તા. 14ના રોજ વતન રાજસ્થાનથી યુવક ગાંધીનગર રેલવે સ્ટેશન ઉતર્યો હતા. ગાંધીનગર રેલવે સ્ટેશનથી સાબરમતીના ત્રાગડ રોડ ઉપર આવેલા પ્રથમ ફ્લેટમાં જવા માટે ઓટો રિક્ષા ભાડે કરી હતી. તા. 15ના રાતે 1 વાગ્યાના અરસામાં ફ્લેટ પાસે સાગા ચાર રસ્તા પાસે પહોંચીને પ્રિયદર્શી ભાડું ચૂકવતો હતો.
ઓટો રિક્ષાચાલકે કહ્યું હતું કે, તમારૂ ઘર વધારે દૂર છે અને ભાડું નક્કી કર્યું હતું તેના કરતાં 50 રૂપિયા વધારે આપવા પડશે. ભાડાં બાબતે વાતચિત કરતાં હતા ત્યાં મધરાતે રિક્ષાચાલકે રિક્ષા ભગાવી દીધી હતી. ઓટો રિક્ષામાં વિદ્યાર્થીનું લેપટોપ, કપડાં અને બૂટ હતાં તે લઈને ઓટો રિક્ષાચાલક નાસી છૂટયો હતો. સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.