Site icon Revoi.in

અમદાવાદના સરખેજમાં ભૂવામાં રિક્ષા ગરકાવ, સ્થાનિકોએ દોડી આવી ચાલકને બચાવી લીધો

Social Share

અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર ભૂવા પડવા એ હવે સામાન્ય બાબત બની ગઈ છે. છતાં મ્યુનિ,કોર્પોરેશનનું તંત્ર સુધરતું નથી. મ્યુનિનું તંત્ર માત્ર પ્રિ મોન્સૂન કામગીરીના માત્ર આંકડા જ દર્શાવીને સંતોષ માને છે. શહેરમાં આજે સવારે સરખેજના અંબર ટાવર રોડ પર ભૂવો પડતાં ત્યાંથી પસાર થતા રિક્ષા ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી. નસીબજોગે તેમાં કોઈ મુસાફર નહીં હોવાથી માત્ર ચાલકને જ સામાન્ય ઈજા પહોંચી હતી. ભૂવામાં રિક્ષા ગરકાવ થતાં સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતાં અને રિક્ષા ચાલકને બહાર કાઢ્યો હતો. તે ઉપરાંત ક્રેનની મદદથી રિક્ષાને પણ બહાર કાઢવામાં આવી હતી. ડ્રેનેજ લાઈનોમાં ભંગાણના કારણે આવા ભુવા પડે છે. ઈજનેર વિભાગના અધિકારીઓ આવી જુની ડ્રેનેજલાઈનને તપાસી તેમાં ભંગાણ અંગે તપાસ કરતા નથી.

અમદાવાદશહેરમાં ચાર દિવસ પહેલાં જ પોશ કહી શકાય તેવા વસ્ત્રાલ વિસ્તારના મુખ્ય માર્ગ પર ભુવો પડ્યો હતો. સુર્યમ ગ્રિન્સ ચાર રસ્તા પર પડ્યો ભુવો પડ્યો હતો. વાહનચાલકો માટે જોખમી ન બંને તે માટે મોડી રાતે સ્થાનિકો આગળ આવ્યા હતા અને ભુવાને ફરતા પથ્થરો મૂક્યા હતા અને ભુવાની અંદર લાકડી મૂકીને લોકોને ચેતાવ્યા હતા. તાજેતરમાં જ ઉસ્માનપુરા વિસ્તારમાં પડેલા ભૂવામાં એક મહિલા ગરકાવ થઈ હતી. શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ રોડ બેસી જવાની અને ભૂવા પડવાની શરૂઆત થઈ જાય છે. જેના કારણે લોકો હેરાન-પરેશાન થતાં હોય છે. આ પહેલા અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગર ચાર રસ્તા પર ભૂવો પડ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદકામની કામગીરી કરી યોગ્ય પુરાણ નહીં કરવાથી ભૂવો પડ્યો હતો. 2 મહિના કરતા વધુ સમયથી ભૂવો પડવા છતાં કોઈ કામગીરી ન કરતા રોડ બેસી ગયો હતો. રોડ બેસી ગયા બાદ પણ કોર્પોરેશન દ્વારા યોગ્ય બેરિકેડિંગ પણ કરાયું નહોતુ.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં 2013થી 2020 સુધીના સાત વર્ષમાં કુલ 500થી વધુ ભૂવા પડ્યા હતાં. સૌથી વધુ 2017ના વર્ષમાં 111 ભૂવા પડ્યા હતા. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં છેલ્લા સાત વર્ષમાં 152 ભૂવા પડ્યા હતાં. ઉતર, દક્ષિણ ઝોનમાં 149 ભૂવા પડ્યા હતા. દર વર્ષે પડતા ભૂવા પૂરવા માટે મહાનગરપાલિકા લાખ્ખોનો ખર્ચ કરે છે. 2013માં 92, 2014માં 49 ભૂવા પડ્યા હતા. 2015માં 58 તો 2016માં 57 ભૂવા પડ્યા હતા. 2017માં 111 અને 2018માં 26 ભૂવા પડ્યા હતા. 2019માં 66 અને 2020માં 26 ભૂવા પડ્યા હતા.   શહેરમાં અનેક જગ્યાએ રોડ તૂટેલા છે. રોડ બનતા હોય ત્યારે કડક સુપરવિઝન થતું નથી અને ત્યાં ‘કોણે, ક્યારે રોડ બનાવ્યો અને તેની ગેરંટી ક્યાં સુધીની છે’ તેના બોર્ડ મુકવા અંગે અગાઉની સ્ટેન્ડિંગ કમિટીએ વારંવાર સૂચના આપવા છતાં તેનો અમલ થતો નથી. શહેરમાં રોડ રસ્તાને લઇ ચર્ચા કરવા માટે મળતી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં રોડ રસ્તા અને ભુવાના સમારકામ માટે ચર્ચા કરી અને અધિકારીઓને સૂચના આપવાની હોય છે.