કાચા માલના ભાવમાં થયેલા વધારાના પગલે લઘુ પેઈન્ટ ઉદ્યોગની મુશ્કેલીઓ વધી
અમદાવાદઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. હવે ફરીથી વેપાર-ધંધા ધમધમવા લાગ્યાં છે. જો કે, કાચા માલના ભાવમાં થયેલા વધારાના પગલે ગુજરાતમાં ધમધમતા 450થી વધુ લઘુ પેઈન્ટસ ઉદ્યોગ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. આ ઉદ્યોગોમાં લગભગ 10 જેટલા શ્રમજીવીઓ કામ કરે છે. દરમિયાન કાચા માલમાં થયેલા ભાવ વધારા મુદ્દે વેપારીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ઇન્ડિયન સ્મોલ સ્કેલ પેઇન્ટસ એસો. (ઇસ્પા)ના પૂર્વ પ્રમુખના જણાવ્યા અનુસાર કાચા માલમાં થયેલા અસહ્રય ભાવ વધારાના લીધે લધુ પેઇન્ટ ઉઘોગ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. નવેમ્બર 2020 થી 2021 સુધી કાચા માલમાં બધુ થઇને 20 થી 25 ટકા ભાવ વધારો થયો છે. કાચા માલના ભાવમાં થયેલા વધારા છતા પેઇન્ટસ ઉત્પાદકોએ એક ટકો પણ ભાવ વધારો કર્યો નથી. જેના કારણે પેઇન્ટસ ડીલર એમએસએમઇને ભાવ વધારો આપવા ખચકાય છે અને નવો ભાવ સ્વીકારવા તૈયાર નથી. જેથી લધુ પેઇન્ટસ ઉત્પાદકોને ફરજીયાત રીતે અગાઉના ભાવે માલ વેચવો પડે છે. જે પોષાય તેમ નથી. નજીકના ભવિષ્યમાં સમગ્ર લધુ પેઇન્ટસ ઉઘોગ મૃત:પ્રાય થઇ જશે.
ગુજરાતમાં આશરે 450 પેઇન્ટસ ઉત્પાદકો છે જેમાં આશરે 8 થી 10 હજાર જેટલા કારીગરો રોજગારી મેળવે છે. જો કાચા માલના ભાવ વધારા સામે યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો લધુ પેઇન્ટસ ઉઘોગો બંધ થવાની પુરેપુરી સંભાવના છે. જેના લીધે કારીગરોની રોજીરોટી પર અસર પડશે. આ બાબતે એસોસીએશન દ્વારા રાજય તેમજ કેન્દ્રીય સરકારને રજૂઆત કરવામાં આવી છે.