Site icon Revoi.in

ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ સુધીના રોડનું રૂપિયા 10 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના માર્ગ ચ-0થી અમદાવાદના ઈન્દિરા બ્રિજ યાને એરપોર્ટ સુધીના હાઈવે રોડના બ્યુટિફિકેશન પાછળ રૂપિયા 10 કરોડના ખર્ચને રાજ્ય સરકારે મંજુરી આપી છે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી ગાંધીનગર સુધીનો હાઈવે વીવીઆઈપી ગણાય છે. દેશ-વિદેશના મહાનુભાવો અમદાવાદ એરપોર્ટથી મોટર માર્ગે આ રસ્તા પરથી ગાંધીનગર પહોંચતા હોય છે. તેથી આ હાઈવે બ્યુટિફિકેશન કરવામાં આવશે.

ગાંધીનગરના ચ-0 રોડથી અમદાવાદના ઈન્દિરાબ્રિજ સુધીના હાઈવે પર એક દિવસમાં એટલે કે 24 કલાકમાં એક લાખ વાહનો પસાર થાય છે, તેથી સૌથી ભરચક એવા આ ધોરી માર્ગ પર  અકસ્માતો અટકાવવા સલામતી સાથે બ્યુટીફિકેશન પર ધ્યાન આપીને મોડેલ રોડ બનાવવાના પ્રોજેક્ટને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. 10 કરોડ રૂપિયાના ખર્ચે ચ-0થી ઇન્દિરા બ્રિજ સુધીના 11.40 કિલોમીટરના માર્ગને સુંદર અને સુરક્ષિત બનાવવાનો ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ ઉપરાંત વિવિધ વિસ્તારોને જોડતો સિક્સલેન માર્ગ વીવીઆઇપી મુવમેન્ટ પણ ધરાવે છે. પરંતુ ડિવાઇડર અને ફૂટપાથની કર્બિંગ ખુબ નીચી અને ક્યાંક રસ્તાને સમાંતર આવી ગઇ હોવાથી અકસ્માતો સર્જાય છે. આ માર્ગ પર 50 કિલોમીટરની ગતિ મર્યાદા નિયત કરાઇ છે પરંતુ મોટાભાગના વાહનો પુરઝડપે દોડે છે. તેવામાં ફૂટપાથની કર્બિંગ નીચી હોવાથી ફૂટપાથ પર વાહનો ચઢીને અથડાઇ જવાના બનાવો વારંવાર બને છે. ખાસ કરીને પીડીપીયુ ચાર રસ્તા, ધોળાકુવા, કોબા સહિતના વિસ્તારોમાં છાશવારે વાહનો ડિવાઇડર કે ફૂટપાથ પર ચઢી જવાના બનાવ બનતા હોય છે. આ સ્થિતિ નિવારવા મોડેલ રોડ પ્રોજેક્ટ હેઠળ ડિવાઇડર અને બન્ને બાજુ ફૂટપાથના કર્બિંગને 50 સેન્ટીમીટર ઉંચા કરવામાં આવશે. જેથી વાહનો ફૂટપાથ પર ચઢીને તેનાથી થતા અકસ્માતની સંખ્યામાં ઘટાડો થઇ શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરના ચ-0 રોડથી અમદાવાદના ઈન્દિરાબ્રિજ સુધીના હાઈવે પર બંને બાજુએ લગાવવામાં આવેલી રેલીંગ દૂર કરી દેવામાં આવશે અને ત્યાં વિશેષ પ્રકારની ડિઝાઇન સાથેની લોખંડની મજબૂત રેલીંગ લગાવવામાં આવશે. આ રેલીંગ એવી રીતે તૈયાર કરવામાં આવશે કે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને વાહનમાં બેઠેલા લોકોને રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું દેખાશે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને ગાંધીનગર વાયબ્રન્ટ કે અન્ય ઇવેન્ટમાં ભાગ લેવા આવતા વિદેશી મહેમાનોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.