Site icon Revoi.in

ખાદ્ય સુરક્ષા અને આરોગ્યપ્રદ ભોજનની પ્રથાઓ સુનિશ્ચિત કરવામાં રાજ્યોની ભૂમિકા મહત્વનીઃ ડો. માંડવિયા

Social Share

નવી દિલ્હીઃ દેશમાં દરેક નાગરિક માટે ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના કાર્યોને વધુ સઘન બનાવવાના પ્રયાસો રૂપે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ સત્તામંડળ (FSSAI)ના ચોથા રાજ્ય ખાદ્ય સલામતી સૂચકાંક (SFSI)ને બહાર પાડ્યો હતો. સમૃદ્ધ ભારત માટે, આપણે સ્વસ્થ ભારતની જરૂર છે અને સ્વસ્થ ભારત માટે, આપણે સ્વસ્થ નાગરિકની જરૂર છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું.

આ પ્રસંગ્રે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર અને પોષણ એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં પણ સર્વગ્રાહી વિકાસ થયો છે. દેશમાં દરેક નાગરિકને આરોગ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છે અને આના માટે સરકાર આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ જિલ્લા હોસ્પિટલોના સુદૃઢીકરણ જેવી વિવિધ પહેલની મદદથી પ્રાથમિક, દ્વિતિય અને તૃતીય આરોગ્ય સંભાળ મોરચે ધ્યાન આપી રહી છે. ખાદ્ય સુરક્ષા અને આરોગ્યપ્રદ ભોજનની પ્રથાઓ સુનિશ્ચિત કરવામાં  રાજ્યોની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. અત્યારે સમયની માંગ છે કે, સ્વસ્થ રાષ્ટ્ર સુનિશ્ચિત કરવા માટે આપણે સાથે આવીની એકજૂથ થઇને કામ કરીએ.”

ડૉ. માંડવિયાએ FSSAI દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ નવતર પહેલ પણ શરૂ કરી હતી જેમાં ઇટ રાઇટ રિસર્ચ એવોર્ડ્સ અને અનુદાન – તબક્કો II પણ સામેલ છે. ઇટ રાઇટ ક્રિએટિવિટી ચેલેન્જ – તબક્કો III નામથી શાળા સ્તરીય સ્પર્ધા અને આયુર્વેદ આહારનો લોગો પણ તેમણે લોન્ચ કર્યો હતો. આ લોગોમાં આયુર્વેદ અને આહારના 5 પાંદડાઓ સાથે પ્રકૃતિના પાંચ તત્વોનું પ્રતીક છે. આ લોગો આરોગ્ય અને સુખાકારીમાં સુધારો કરવા માટે એક અનોખી ઓળખ, સરળ ઓળખ અને પુરવાર થયેલા લાભો તૈયાર કરવા માટે ફાયદાકારક બની રહેશે.