- જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ 40 વર્ષ જુનું છે,
- બિલ્ડિંગ જર્જરિત હોવાનો રિપોર્ટ છતાંયે કચેરી અન્યત્ર ખસેડાતી નથી,
- કર્મચારીઓમાં ભયનો માહોલ
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ ચાર દાયકા જુનું છે. અને છેલ્લા કેટલાક સમયથી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. અગાઉ પણ બિલ્ડિંગના છતમાંથી પોપડા પડવાના બનાવો બન્યા છે. ત્યારે ફરીવાર જિલ્લા પંચાયતના વિકાસ શાખામાં પોપડા પડતા એક કર્મચારીને ઇજા પામી હતી. જિલ્લા પંચાયતના કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે જિલ્લા પંચાયતની કચેરીનું સ્થળાંતર કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
ગાંધીનગર જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં માત્ર દસેક દિવસમાં જ પોપડા પડવાની ઘટનાઓ બની છે. જોકે ગઈકાલે ગુરુવારે બપોરે જિલ્લા પંચાયતના વિકાસ શાખામાં પોપડા પડતા કર્મચારીને ઇજા થઈ હતી. જિલ્લા પંચાયત કચેરીનું બિલ્ડિંગ જર્જરિત હોવાનો રિપોર્ટ હોવા છતાં કચેરીને અન્યત્ર ખસેડવાની કોઇ જ હિલચાલ કરવામાં આવતી નથી. જેને પરિણામે જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. પાટનગરમાં જર્જરિત મકાનો અને કચેરીઓ મામલે બેધારી નિતી ચાલી રહી છે. સેક્ટરોમાં આવેલા જર્જરિત સરકારી આવાસોમાં રહેતા કર્મચારીઓને મકાન ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત જર્જરિત મકાનો તોડીને નવા આવાસો બનાવવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ સેક્ટર-17માં આવેલી જિલ્લા પંચાયતની બિલ્ડિંગ ચાર દાયકાથી વધારે જૂનું હોવાથી હાલમાં જર્જરિત હાલત બની જવા પામી છે. જોકે બિલ્ડિંગ બેસવા લાયક નથી તેના માટે બે વર્ષ અગાઉ સરકારી કચેરી પાસે સર્વે કરાવવામાં આવ્યો હતો. તેમાં લેબોરેટરી સહિત ટેસ્ટિંગમાં બિલ્ડિંગ બેસવા લાયક નથી. તેમ છતાં જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં કચેરીઓ ધમધમી રહી છે. જોકે છેલ્લા દસેક દિવસમાં જિલ્લા પંચાયતના પાર્કિંગ, સહકાર શાખા, માર્ગ યોજના શાખામાંથી છત ઉપરથી પોપડા બનાવી ઘટના બની હતી. ગુરુવારે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી વિકાસ શાખામાં કર્મચારીના ટેબલ ઉપર છત ઉપરથી પોપડો પડ્યો હતો. આથી કર્મચારીઓની ધીરજ ખૂટી પડતા જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલને મૌખિક રજુઆત કરીને કચેરીને અન્યત્ર ખસેડવાની માંગણી કરી હતી. જોકે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા પંચાયતની કચેરીને અન્યત્ર ખસેડવાની કામગીરી ચાલી રહી હોવાથી યોગ્ય જગ્યા મળશે તો ખસેડવામાં આવશે જણાવ્યું હતું. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિકાસ શાખા સહિતની જિલ્લા પંચાયતની તમામ શાખાઓની મુલાકાત લઇને કઇ જગ્યાએ પોપડા પડે તેની ચકાસણી કરવામાં આવી હતી. તેમાં શિક્ષણ શાખા, બાંધકામ શાખા, મહેકમ શાખા, આરોગ્ય શાખા, સહકાર શાખા, સમાજ કલ્યાણ શાખા, શિક્ષણ શાખા, પશુપાલન શાખા, ખેતીવાડી શાખા, મેલેરીયા શાખા સહિતમાં છતમાંથી પોપડા પડે તેવી સ્થિતિ હોવાથી તે અંગે બેઠક યોજીને નિર્ણય લેવામાં આવશે.