અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાને પગલે લોકોની સલામતી માટે સરકારે અનેક આગોતરા પગલાં લીધા છે. ભીડભાડવાળા સ્થળોએ વધુ તકેદારી રાખવા પણ જિલ્લા તંત્રને આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ગબ્બર પર રોપ-વેની સુવિધા વાવાઝોડાને ધ્યાને રાખી ચાર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. અહીં માં જગતજનની અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. અંબાજીમાં માતાજીના નિજ મંદિરના દર્શન કર્યા બાદ યાત્રાળુઓ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા માટે રોપ-વેની સુવિધાનો લાભ લેતા હોય છે. અને અમુક દર્શનાર્થી પગથિયાં ચડીને પણ માતાજીના દર્શન કરવા માટે ગબ્બર પર્વત પર જતા હોય છે. રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાને રાખી હવામાન વિભાગે સમગ્ર રાજ્યને એલર્ટ કર્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કલેકટર અને તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાને ધ્યાને રાખી એકશન મોડ પર છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ગબ્બર પર રોપ-વેની સુવિધા વાવાઝોડાને ધ્યાને રાખી તા. 13મી થી તા.16મી જૂન સુધી અંબાજી ગબ્બર પર રોપ-વેની સુવિધા બંધ રાખવામા આવી છે. જિલ્લામાં મોટા ભયજનક હોર્ડિંગ પણ ઉતારી લેવાની કલેક્ટર દ્વારા સુચના આપવામાં આવી છે.