યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પર મેન્ટેનન્સને લીધે ચાર દિવસ રોપ-વે સેવા બંધ રહેશે
અંબાજીઃ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેનું મેન્ટેનન્સ કાર્ય હાથ ધરાતા 25 જૂલાઈથી 28 જૂલાઈ એમ ચાર દિવસ સુધી રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજીના ગબ્બર ગોખના દર્શન કરવા હજારોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. અને માતાજીની અખંડ જ્યોતના દર્શન માટે એક હજાર પગથીયા ચઢવા પડે છે, જે શ્રદ્ધાળુઓને પગથીયા ના ચઢવા હોય તો રોપ-વે ઉડનખટોલાની સુવિધા પણ ઉપલબ્ધ છે. શ્રદ્ધાળુઓ ગબ્બર પર્વત પર મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટા ભાગે ઉડનખટોલાનો યાને રોપવેનો ઉપયોગ કરતા હોય છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલી ગબ્બર ખાતે આગામી તા. 25 જૂલાઈથી 28 જૂલાઈ એમ ચાર દિવસ સુધી રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરરોજ રોપ વેમાં શ્રદ્ધાળુઓના ભારે ઘસારાથી રોપવેનું મેન્ટેનેન્સ આવતું હોય છે. જેથી શ્રદ્ધાળુઓની સલામતી અને રોપવેની સાર સંભાળ માટે ચાર દિવસ ગબ્બર પર્વત પર રોપ-વે બંધ રહશે. અંબાજી આવતા દર્શનાર્થીઓ માટે સૂચના આપવામાં આવી છે કે, ગબ્બર પર્વત પર રોપ વે ઉડનખટોલા તારીખ 25-07- 22 થી 28-07-22 સુધી 4 દિવસ રોપ-વેના મેન્ટેનેન્સ કામ માટે બંધ રહેશે. 29-07-22 થી ગબ્બર પર્વત પર રોપ-વે રાબેતા મુજબ ચાલુ રહેશે. હાલ અંબાજીમા દર્શનાર્થે હજારોની સંખ્યામાં યાત્રિકો આવી રહ્યા છે. દર્શન માટે આવતા યાત્રિકો ગબ્બરના પર્વત પર અખંડ જ્યોતના દર્શન માટે પણ જતા હોય છે. જેમાં આશરે એક હજાર જેટલા પગથિયા ચડવા પડે છે. જોકે મોટાભાગના યાત્રિકો રોપવેમાં ગબ્બર પર્વત પર જતા હોય છે. રોપવેમાં જવા પણ યાત્રિકોમાં લાઈનો લાગતી હોય છે. જોકે રોપવેનું અવાર-નવાર મેન્ટેનન્સ પણ કરવું પડતું હોય છે.