ભાજપમાં સત્તા કરતા સંગઠન જ સર્વોપરી છે, નવા મંત્રીઓએ કમલમ્ જઈને આશીર્વાદ લીધા
અમદાવાદઃ ગુજરાત ભાજપમાં હવે સંગઠન જ મહત્વનું છે તે સાબીત થઈ ગયું છે. સંગઠન અને કાર્યકર્તાઓને લીધે ભાજપ સરકાર સત્તામાં છે. એટલે હવે નવા મંત્રીઓએ સંગઠનને પણ મહત્વ આપવું પડશે. તે તમામ મંત્રીઓને પણ સમજાઈ ગયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળના મંત્રીઓએ શ્રાદ્ધ પહેલાં જ પોતાનો ચાર્જ વિધિવત્ રીતે સંભાળ્યો હતો. મંત્રીઓના ખાતાની ફાળવણી બાદ તમામ મંત્રીઓ પોતાની ઓફિસમાં ચાર્જ લેવા કે પરિવારને મળવાને બદલે સીધા જ કમલમ પહોંચી ગયા હતા,આની સાથે ભાજપના પ્રમુખ સી આર પાટીલે એક અણસાર આપી દીધો કે પક્ષ પ્રાયોરિટી હોવી જોઈએ, સત્તા કરતા સંગઠન જ સર્વોપરી હોવું જોઇએ.
ગુજરાતમાં આખી સરકારને ઘરભેગી કરી નવા જ મુખ્યમંત્રી સહિત મંત્રીઓને સત્તા પર બેસાડવામાં આવ્યા છે, ત્યારે એકાએક લોટરી લાગી હોય એમ મંત્રીઓ પણ ભાવુક બની ગયા હતા. તેમાં પણ પક્ષની મહેરબાની હોય તેવો અહેસાસ પણ થઈ ગયો હતો. મંત્રીઓએ મંત્રીપદ ના શપથ લઇ, સ્વર્ણિમ સંકુલમાં ખાતાઓની ફાળવણી કરવામાં આવ્યા બાદ સીધા જ પોતાની ઓફિસમાં જઈ ચાર્જ લેવાને બદલે સીધા જ કમલમ ભાજપ કાર્યાલય પહોંચી ગયા હતા. જ્યાં પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનોના આશીર્વાદ લીધા પછી જ પરિવાર અને સમર્થકોને મળવા ગયા હતા.
મંત્રીમંડળની પ્રથમ બેઠક બાદ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ કમલમ પહોચ્યા હતા અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આશિર્વાદ લીધા છે. સામાન્ય રીતે નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક બાદ મંત્રીઓ તેમની ઓફીસમાં પદ સંભાળવા જતા હોય છે. કમલમ ગયા અને પક્ષના કોઈ પદાધિકારી સ્વર્ણિમ સંકુલ નહી પણ ‘કમલમ’ માં હતા અને તેઓએ અહી નવા મંત્રીઓનું સ્વાગત કર્યુ હતું. આમ એક મોટો સંદેશ ગયો છે કે સરકાર પર પણ સંગઠન છે તે નિશ્ચીત થઈ ગયું છે.
સોમવારથી શ્રાદ્ધ પક્ષ શરૂ થતો હોવાથી મંત્રીઓએ શનિવારે જ ચાર્જ લઇ લીધો હતો. ચાર્જ લીધા બાદ મંત્રીઓએ પોતાના વિભાગના અધિકારીઓને બોલાવીને વિભાગની જાણકારી મેળવી, અનેક મુદ્દા પર બેઠકો યોજી હતી. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રથમ દિવસે જ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી વિવિધ યોજના અંતર્ગત 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાયને મંજૂરી આપી હતી. વાઘાણીએ ચાર્જ સંભાળ્યો ત્યારે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેમને શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી પૂરગ્રસ્ત રાજકોટ-જામનગર જિલ્લામાં રાહત કાર્યો અને નુકસાનીના સર્વેની સમીક્ષા કરી હતી. ઘણાં મંત્રીઓએ રવિવારે પણ કામગીરી ચાલુ રાખીને અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી.
વિધાનસભામાં ધારાસભ્યો જ પ્રશ્નો પૂછી શકે છે, મંત્રીઓએ જવાબ આપવાના હોય છે. 27મીથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થતું હોવાથી ધારાસભ્યો પાસેથી તેમના પ્રશ્નો મગાવ્યા હતા. દરમિયાન નવી સરકાર રચાતા મંત્રી બનેલા ધારાસભ્યોએ પુછવા માટે મોકલેલા પ્રશ્નો રદ કર્યા છે. નવા મંત્રીઓને વિધાનસભામાં કેવી રીતે પ્રશ્નોના જવાબો આપવા અને કેવી માહિતી રજૂ કરવી તેનું બ્રીફિંગ પણ આગામી દિવસોમાં અપાશે.