અમદાવાદ એરપોર્ટ પરના રન-વેને રીસરફેસ કરાશેઃ હવાઈ સેવાને થશે અસર
અમદાવાદઃ આગામી એપ્રિલ મહિનામાં અમદાવાદ એરપોર્ટના રન-વેને રીસરફેસ કરવામાં આવશે. તા. 20થી 30 એપ્રિલ સુધી રન-વે રીસરફેસની કામગીરીને પગલે હવાઈસેવાને અસર પડવાની શકયતા છે. એરપોર્ટ ઉપર સવારે 11થી સાંજના 5 કલાક સુધી કામગીરી કરવામાં આવશે. માત્ર તા. 24મી ફેબ્રુઆરીના રોજ એક દિવસ માટે રન-વે ચાલુ કરવામાં આવશે.
એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા પ્રમાણે અમદાવાદના એરપોર્ટ પર ખાડા પડી જતા રન-વે ની હાલત ભયજનક હોવાથી પ્લેનના લેન્ડીંગ અને ટેકઓફ કરતી વખતે કોઈ પણ પ્લેનનું ટાયર ફાટી શકે છે જેનાથી પેસેન્જરોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે, અને કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે આ રન-વે બંધ કરીને તેને ફરી બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એરપોર્ટનો રન-વેની લંબાઈ સાડાત્રણ કિમી છે વર્ષ 2019માં રન-વે પર કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા હોવાથી રન-વેને રિપેર કરવામાં આવ્યો હતો. જો કે, ગત ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે રન-વે પર ફરી એકવાર કેટલીક જગ્યાએ ખાડા પડી જતા જોખમ ઉભું થયું છે. જેથી રન-વેનું રીસરફેસ કરવામાં આવશે. જેથી 60થી વધારે ફ્લાઈટને અસર થવાની શકયતા છે.