નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ (રશિયા-યુક્રેન ક્રાઈસિસ) ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 26 પૂરા દિવસો પછી પણ બંનેમાંથી કોઈ દેશ ઝૂકવા તૈયાર નથી. બીજી તરફ, આ યુદ્ધની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. કોરોના મહામારીમાંથી માંડ માંડ અર્થતંત્ર બહાર આવ્યું છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની તેની ઉપર ગંભીર અસર જોવા મળશે. લંડન યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવ શિફરેસે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર આ યુદ્ધની અસર વિશે એક અહેવાલ તૈયાર કર્યો છે.
આર્થિક વિકાસ સંગઠન (OECD)એ કહ્યું હતું કે, આ યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે અસર થઈ શકે છે. યુક્રેન યુદ્ધની શરૂઆત પછી પ્રથમ વર્ષમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં એક ટકાથી વધુ ઘટાડો કરી શકે છે. OECD અનુસાર, આ યુદ્ધ આવતા વર્ષમાં રશિયામાં “ઊંડી મંદી” તરફ દોરી શકે છે. વૈશ્વિક સ્તરે, પ્રથમ વર્ષમાં ગ્રાહક ભાવમાં આશરે 2.5 ટકાનો વધારો થવાની ધારણા છે.
OECDના મુખ્ય અર્થશાસ્ત્રી લોરેન્સ બૂને જણાવ્યું હતું કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 1.5 ટકાના ઘટાડા સાથે યુરોપિયન યુનિયનમાં વૃદ્ધિને સૌથી વધુ અસર થશે. યુનાઇટેડ સ્ટેટ્સ લગભગ 0.8 ટકાની અસર સાથે આઉટપરફોર્મ કરવાની અપેક્ષા છે. રશિયા અને યુક્રેન ઘઉંના વિશ્વના સૌથી મોટા નિકાસકારોમાંના એક છે અને ઘણા દેશો (ખાસ કરીને યુરોપમાં) રશિયન તેલ અને ગેસ પર નિર્ભર છે, તેથી ઊર્જા અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.